Get The App

બ્રિજની સ્થિતિ અંગે ગુજરાત સરકારે હાઇકોર્ટને ગુમરાહ કરી, ચીફ જસ્ટિસે કહ્યું હતું- ચોમાસામાં સાવધાની રાખજો

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
Chief Justice remarks about Bridge Safety
(PHOTO - IANS)

Chief Justice remarks about Bridge Safety: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી રાજ્યના તમામ બ્રિજના ઇન્સ્પેકશન, તેની સ્થિતિ સહિતનો વિગતવાર રિપોર્ટ અગાઉ માંગ્યો હતો, જેમાં રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં એટલે કે, સબ સલામત હોવાનો દાવો કર્યો હતો પરંતુ સરકારના આ દાવા અને ખુદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી ખોટી, અદાલતને ગેરમાર્ગે દોરનારી અને પોકળ સાબિત થઈ છે.

હાઇકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજનું ઇન્સ્પેકશન કરીને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું 

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન ગયા વર્ષે જ ખુદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજ્યના અન્ય બ્રિજની સ્થિતિને લઈ બહુ ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને આવી દુર્ઘટના ફરી ના બને અને નિર્દોષ નાગરિકોના જીવ ના જાય તે માટેની સરકારને કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેકશન કરવા અને તેનો સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા પણ નિર્દેશ કર્યો હતો. 

ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ જાય છે, આથી સાવધાની રાખવાની ટકોર  

રાજ્ય સરકાર તરફથી પણ હાઇકોર્ટને હૈયાધારણા અપાઈ હતી કે, રાજ્યના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેકશન કરવામાં આવશે અને તૈયાર કરવામાં આવશે. જોકે સરકારના આ આશ્વાસન દરમ્યાન ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ જાય છે તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ચીફ જસ્ટિસે ઉત્તરાખંડનું ઉદાહરણ પણ આપ્યું હતું અને સરકારને આ મુદ્દે ગંભીરતા રાખવા ટકોર કરી હતી.

સરકારની રજૂઆત અને દાવાઓ હાઇકોર્ટને ગુમરાહ કરનારા

આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા સમયયાંતરે તબક્કાવાર રાજ્યના તમામ બ્રિજની સ્થિતિ સહિતનો સ્ટેટસ રિપોર્ટ અને જવાબી સોગંદનામું હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું અને ભારપૂર્વકની રજૂઆત કરીને બ્રિજની સ્થિતિ સબ સલામત હોવાના દાવા  કર્યા હતા. સરકાર તરફથી સંબંધિત સત્તાવાળાઓ, ઇજનેર અને સંબંધિત અધિકારીઓ દ્વારા રાજ્યના તમામ બ્રિજની ચકાસણી-નિરીક્ષણ કરીને યોગ્ય પગલાં લેવાઈ રહ્યા હોવાની વાત પણ કરી હતી અને તેને લઈને સ્ટેટ્સ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જોકે સરકારના આ દાવાઓ અને રજૂઆતની પોલ આજે સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખુલ્લી પડી ગઈ છે. 

હાઇકોર્ટે હવે કોઈ વ્યકિતને જીવન ના ગુમાવવું પડે તેવી સરકારને ટકોર કરી હતી

હાઇકોર્ટે ઐતિહાસિક બ્રિજની જાળવણીને લઈ માર્ગ અને મકાન વિભાગની ક્ષમતા અંગે સવાલ ઉઠાવતાં એ વખતે સરકારને અગત્યનું સૂચન કર્યું હતું કે, ખાનગી વ્યકિતઓને બ્રિજના રિપેરીંગ કે મરામતનો કરાર આપતી વખતે તેમની ક્ષમતા, નિપુણતા સહિતની બાબતોની ચકાસણીની જવાબદારી રાજ્ય સરકારની છે. 

આ પણ વાંચો: ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું મેગા ઓપરેશન, અમદાવાદમાં જ 160 કેસ

ઐતિહાસિક અને પ્રાચીન બ્રિજની ધરોહર જાળવવા માટે આર્કિયોલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયાનો પણ પરામર્શ આવશ્યક હોવાનો મત ચીફ જસ્ટિસે વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, નિપુણ આર્કિટેક્ટસને જ આ પ્રકારનું કામ સોંપાવું જોઈએ. હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, વ્યકિતનું જીવન અથવા ઐતિહાસિક ધરોહર બેમાંથી એક પણ ખોવું યોગ્ય નહીં લેખાય. 

એ વખતે રાજ્યના કુલ 1441 બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનું સરકારપક્ષ તરફથી અદાલત સમક્ષ જણાવાયું હતું અને જે બ્રિજ વધુ જૂના થઈ ગયા છે અને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેવા બ્રિજને બંધ કરી દેવાની ખાતરી પણ સરકાર તરફથી અપાઈ હતી પરંતુ સરકારની ખાતરીઓ, હૈયાધારણા કે હાઇકોર્ટ સમક્ષના વારંવારના આશ્વાસનો આજની દુર્ઘટનાને પગલે બિલકુલ ઠાલા અને સરકારની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉઠાવનારા બની રહ્યા છે.

હાઇકોર્ટે બ્રિજની તમામ જવાબદારી રાજ્ય સરકારને જ ઉઠાવવા નિર્દેશ કર્યો હતો

સરકારે પોતાના રિપોર્ટમાં રાજ્યના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનો દાવો કરાયો ત્યારે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, શું ગોંડલના બંને ઐતિહાસિક બ્રિજની સ્થિતિથી તમે વાકેફ છો..? જેથી સરકારે જણાવ્યું હતું કે, જે બ્રિજ જર્જરિત અને ઉપયોગમાં લઈ ન શકાય તેવા છે તે બ્રિજને બંધ કરી દેવાશે. તેથી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, કોઈપણ બ્રિજ તોડવાના નથી. આઇકોનીક બ્રિજની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યમાં તમામ બ્રિજની મરામત કે રીપેરીંગની જવાબદારી નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનોના બદલે સરકાર પોતે જ ઉઠાવે.

બ્રિજની સ્થિતિ અંગે ગુજરાત સરકારે હાઇકોર્ટને ગુમરાહ કરી, ચીફ જસ્ટિસે કહ્યું હતું- ચોમાસામાં સાવધાની રાખજો 2 - image

Tags :