દાંડી રોડ કેનાલ પાસે: રાત્રે કારમાં સવાર મિત્રોએ મોપેડ ચાલક મહિલાની છેડતી કર્યાના વહેમમાં હોબાળો
કારમાં જતા એલ.આરએ મહિલાને કહેલું, બાળક પડી જશે મોપેડ ધીમે ચલાવોઃ કારમાંથી દારૂ પણ મળતા ટોળુ વધુ ઉશકેરાયું
સુરત તા. 24 જુલાઇ 2020 શુક્રવાર
દાંડી રોડ કેનાલ સ્થિત ડી માર્ટ સામે ગત રાત્રે મોપેડ ચાલક મહિલાની છેડતી કર્યાની આશંકા સાથે કારમાં સવારમાં ત્રણ મિત્રોને એકત્ર થયેલા ટોળાએ બાનમાં લીધા હતા. ત્રણ પૈકી એક પોલીસ જવાન હોવાની ઓળખ આપી હતી અને કારમાંથી દેશી દારૂ મળી આવતા ટોળાએ ભારે અડધો કલાક સુધી હોબાળો મચાવી વિડીયો વાઇરલ કર્યો હતો.
શહેર પોલીસના એસીપી જી ડિવીઝન ઓફિસનો એલ.આર સુરેશ માધુભાઇ વાઘમશી ગત રાત્રે દિહેણ ગામ ખાતે મિત્રને મળી પરત અલ્ટો કાર નં. જીજે-12 બીઆર-1905 માં મિત્ર ઇમરાન ઇસ્માઇલ દિવાન અને શુફીયાન ઉર્ફે શુફી હુસેન શેખ સાથે પરત આવી રહ્યો હતો. દરમ્યાનમાં દાંડી રોડ પર કુંકણી ગામ પાટિયા પાસે મોપેડ નં. જીજે-5એસએચ-9347 નો ચાલક શંકાસ્પદ જણાતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ચાલક મોપેડને યુ ટર્ન મારી ભાગી ગયો હતો પરંતુ તેની પાસેના દેશી દારૂના પોટલું પડી ગયું હતું. જેથી એલઆર સુરેશે દારૂના પોટલા કારમાં લઇ પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન નાના બાળક સાથે મોપેડ પર પુર ઝડપે આવી રહેલી મહિલાને મોપેડ ધીમે ચલાવવા એલઆર સુરેશે કહ્યું હતું. જેથી મહિલાએ દાંડી રોડ ઉગત કેનાલ નજીક ડી માર્ટ સામે ફિલ્મી સ્ટાઇલમાં મોપેડ કારની આગળ ઉભું રાખી દઇ બુમાબુમ છેડતી કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળું એકઠું થતા ઇમરાન અને શુફીયાન બીટ કારમાં બેસીને ભાગી ગયા હતા. મહિલાએ છેડતી કર્યાનો આક્ષેપ કરતા ટોળાએ સુરેશ સાથે ઝપાઝપી કરી હતી. જેથી સુરેશે પોતાનો આઇકાર્ડ પણ બતાવ્યો હતો. બીજી તરફ ટોળામાં કેટલાક દારૂના નશામાં પણ હતા તે પૈકી એક યુવાને કારમાંથી દારૂના પોટલા કાઢયા હતા. જેને પગલે ટોળું વધુ આક્રોશિત થયું હતું અને એ અરસામાં જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા જહાંગીરપુરા પોલીસ દોડી આવી હતી. પોલીસે ટોળાને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોપેડ સવારની સંબંધી મહિલાએ ટોળાની ઉશકેરણી કરી હતી. જેને પગલે છેવટે જહાંગીરપુરા પોલીસ મથકના પીઆઇ આર.એમ. વસૈયા ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો.
મહિલાને ગેરસમજ ઉભી થઇ હતીઃ જહાંગીરપુરા પીઆઇ
જહાંગીરપુરા પીઆઇ આર.એમ. વસૈયાએ જણાવ્યું હતું કે મોપેડ પરથી પડી ગયેલો દારૂનો જથ્થો એલઆર સુરેશ લઇને પરત આવી રહ્યો હતો. તે દરમ્યાન મોપેડ ધીમે ચલાવવાનું કહેતા મહિલાને ગેરસમજ થઇ અને છેડતીનો આક્ષેપ કર્યો હતો. એલઆર સિવિલ ડ્રેસમાં હતો અને તેના બે મિત્રો ભાગી જવા ઉપરાંત કારમાંથી દારૂ મળતા મોટી ગેરસમજ ઉભી થઇ હતી.