ગ્રામજનોના મિત્રો, સગાસબંધીઓને 31 જુલાઇ સુધી ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ
આવશ્યક કામ વગર ગ્રામજનો પણ બહાર નહી નીકળેઃ તહેવારોની ઉજવણીમાં પણ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાશે
ઓલપાડના છેવાડાના પિંજરત ગામનું અનોખું લોકડાઉન
સુરત , તા. 18 જુલાઇ, 2020, શનિવાર
સુરત જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે.અને ગ્રામજનો સેલ્ફ લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે ઓલપાડના છેવાડે આવેલ પીંજરત ગામમાં આગામી 31 મી જુલાઇ સુધી સ્વેચ્છિક લોકડાઉન કરવાની સાથે જ ગામમાં કોઇ પણ સગા સંબંધીઓને પણ પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
કોરોનાના ચિંતાજનક હદે કેસો જિલ્લામાં વધી રહ્યા છે.બીજી બાજુ ગામમાં કોઇ પણ મરણ થાય તો ઓછા વ્યકિત બોલાવવાના બદલે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે ઓછામાં ઓછા વ્યકિતઓ આવે તે માટેે ગ્રામજનો પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક ગામોમાં સેલ્ફ લોકડાઉન કરી દેવાયુ છે. તો કેટલાક ગામોમાં છુટછાટો ચાલુ રખાઇ છે. ત્યારે ઓલપાડના છેવાડના પીંજરંત ગામના સરપંચ અને ગ્રામજનોએ ભેગા મળીને આગામી ૩૧ મી જુલાઇ સુધી સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે.
આ લોકડાઉનના ભાગરૃપે તમામ સગા સંબંધી તેમજ મિત્ર મંડળ ને ગામમાં પ્રવેશવાની સખ્ત મનાઇ કરી દેવાઇ છે. તેમજ જરૃરી કામ વગર ગ્રામજનો પણ બહાર નહીં નિકળવા માટે ખાસ વિનંતી કરી છે. સાથે જ તહેવારોની ઉજવણીમાં લોકડાઉનના નિયમોનું પાલન કરવાનું રહેેશે. ગ્રામપંચાયત તરફથી તમામ લોકોને પોતાના સગા સંબંધીઓને ગામમાં નહીં આવવા જાણ કરી દેવા જણાવ્યુ છે. ગામમાં બોર્ડ મારી દેવાયુ છે. આ પહેલને ઓલપાડ જ નહીં,બીજા ગામો અને તાલુકાના લોકો આવકારીને નિર્ણય લે તેવી માંગ ઉઠી છે.
રાંધણછઠમાં સગાઓને ત્યાં ઢાંકવા જવાની પ્રથા પણ હાલની મહામારીમાં બંધ કરાવવી જોઇએ
ઓલપાડના ગામોમાં આજની તારીખે પણ રાંધણ છઠ્ઠમાં સગા સંબંધીઓમાંથી કોઇનું મૃત્યુ થાય તો ઘરે ઢાંકવા જવાની પ્રથા ચાલી રહી છે. કોરોના કાળમાં આ પ્રથા બંધ કરાવવા માટે પણ ગ્રામજનોએ પહેલ કરવી જોઇએ. કેમકે આગામી દિવસોમાં આ તહેવાર આવી રહ્યો છે. અને મોટી સંખ્યામાં લોકો ઢાંકવાની પ્રથા પૂર્ણ કરવા માટે સંબંધીઓને ત્યાં જશે. આથી તમામ ગ્રામજનોએ પહેલ કરીને આ પ્રથા પણ હાલ પુરતી બંધ કરાવાની માંગ ઉઠી છે.