Get The App

અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે 'વાસ્તુ' હોવાનું જાણતાં મિત્રએ જ કર્યો હાથ ફેરો

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે 'વાસ્તુ' હોવાનું જાણતાં મિત્રએ જ કર્યો હાથ ફેરો 1 - image

Ahmedabad Crime News: શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં તસ્કરોની ટોળકી સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોરીની ઘટનાઓનો વધી રહી છે. જેમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી રૂપિયા 23.10 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીનો વિશ્વાસુ મિત્ર જ નીકળ્યો છે. 

દરિયાપુરના લુણસાવાડ વિસ્તારમાં રહેતા વેપારી નિરવ પ્રજાપતિના ઘરમાંથી 23.10 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. નિરવ પ્રજાપતિએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, નીરવ પ્રજાપતિના નવા ઘરના 'વાસ્તુ'ની જાણ હોવાથી આરોપી જીતેન્દ્ર પંચાલે બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. આર્થિક સંકળામણના કારણે મિત્રતામાં વિશ્વાસઘાત કરી બારીમાંથી પ્રવેશ કર્યો હતો અને રોકડ રૂપિયા 12 લાખ સહિત કુલ રૂ.23 લાખની માલમત્તાની ચોરી કરી હતી. પોલીસે 50થી વધુ CCTV ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરીને રૂ.13.65 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

મિત્રએ જ કર્યો વિશ્વાસઘાત 

અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી એક ઘરફોડ ચોરીની ઘટનામાં પોલીસે માત્ર કલાકોમાં જ ચોરને પકડી પાડ્યો છે, પરંતુ આ ગુનાનો ભેદ ઉકેલાતા એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. ચોરી કરનાર વ્યક્તિ ફરિયાદી નીરવ પ્રજાપતિનો નજીકનો મિત્ર જીતેન્દ્ર પંચાલ જ નીકળ્યો છે. 

ઘટના મુજબ, ફરિયાદી નીરવ પ્રજાપતિ તેમના નવા ઘરના વાસ્તુ (વિધિ) માટે સહપરિવાર બે દિવસ માટે ઘર બંધ કરીને બહાર ગયો હતો. આ વાતની જાણ તેમના ઇન્ટીરિયર ડિઝાઇનિંગના ધંધા-વેપાર સાથે જોડાયેલા મિત્ર જીતેન્દ્રને અગાઉથી જ હતી, કારણ કે ફરિયાદીએ તેને વિધિમાં આવવા માટે આમંત્રણ પણ આપેલું હતું.

બારીમાંથી પ્રવેશ કરી રૂ.23 લાખની માલમત્તાની ચોરી 

મિત્ર દ્વારા અપાયેલા આમંત્રણનો લાભ લઈને, આરોપી જીતેન્દ્ર પંચાલે ફરિયાદીના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. આરોપીએ ચાલાકીપૂર્વક બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો અને રોકડા રૂપિયા 12 લાખ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી વસ્તુઓ મળીને કુલ રૂપિયા 23,10,000ની ચોરી કરી હતી. આ મામલે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર

સીસીટીવી અને ટેક્નિકલ પુરાવાથી આરોપી ઝડપાયો

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક સર્વેલન્સ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળની આસપાસના અને આરોપીના આવવા-જવાના રસ્તાના 50 થી 70 સીસીટીવી કેમેરાની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સીસીટીવી અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપી જીતેન્દ્ર પંચાલની ઓળખ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે આર્થિક સંકળામણના કારણે ચોરીના કૃત્યને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી હાલમાં કુલ રૂપિયા 13,65,000નો ચોરીનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે.