અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર

Ahmedabad Crime News : અમદાવાદ પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર રેડ પાડી છે. પોલીસે ઈસ્કોન-આંબલી રોડ પર આવેલા ધી ઝીરો સ્પામાં અને આંબાવાડી વિસ્તારમાં લેમન આયુર્વેદિક સ્પામાં બાતમીને આધારે રેડ કરી હતી. પોલીસે ધી ઝીરો સ્પામાંથી સંચાલિકા મહિલા અને મેજેનરની ધરપકડ કરી છે. તો લેમન આયુર્વેદિક સ્પાનો સંચાલક રેડ પહેલાં જ ફરાર થઈ જતાં તેની શોધવા તપાસ હાથ ધરી છે.
ધી ઝીરો સ્પામાં મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ
ઈસ્કોન–આંબલી રોડ ખાતે આવેલા વનવર્લ્ડ વેસ્ટ કોમ્પ્લેક્ષમાં ચાલતા 'ધી ઝીરો સ્પા' પર સરખેજ પોલીસે ગેરકાયદેસર દેહવ્યાપારની બાતમીના આધારે દરોડો પાડી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્પાના રિસેપ્શન પરથી રોકડ રકમ તેમજ રૂમમાંથી મહિલા સાથે ડમી ગ્રાહક મળી આવતા ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય રૂમોમાંથી ત્રણ મહિલાઓ મળી આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સ્પાની મહિલા સંચાલિકા દ્વારા પૈસા લઇ દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો અને મેનેજર દ્વારા ગ્રાહક દીઠ રકમ વસૂલાતી હતી. આ મહિલાઓએ ખુલાસો કર્યો કે તેમને માસિક ચુકવણી નક્કી કરાઈ હતી અને સ્ટાફનું કોઈ પોલીસ વેરિફિકેશન પણ કરાયું નહોતું. તો તપાસ દરમ્યાન ડમી ગ્રાહકને આપેલી નોટો જ જપ્ત કરેલ રોકડ રકમમાંથી મળી આવી હતી. પોલીસે રોકડ રકમ અને સીસીટીવી ડીવીઆર સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે મહિલા સંચાલિકા અને મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
લેમન આયુર્વેદિક સ્પાનો મેનેજર પોલીસની રેડ પહેલાં જ ફરાર
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણા કોમ્પ્લેક્ષના લેમન આયુર્વેદિક સ્પા પર પોલીસે રેડ કરી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. બાતમી બાદ ડમી ગ્રાહકની મદદથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સ્પાના રૂમમાંથી મહિલા અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગ્રાહકો પાસેથી નક્કી રકમ લઈ શારીરિક સવલતો પૂરી પાડવામાં આવતી હતી. કાઉન્ટરમાંથી ડમી ગ્રાહકને આપવામાં આવેલી નોટ મળી આવતા ગેરકાયદે ધંધાની પુષ્ટિ થઈ હતી. આ સાથે જ રોકડ અને કોન્ડમના પેકેટ્સ પણ કબજે થયા હતા. સ્પાનો સંચાલક દરોડા પહેલાં જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જેને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

