અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે

Free Travel In AMTS During Diwali Festival : દિવાળી-બેસતું વર્ષ તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં AMTS કમિટીએ તહેવારને ધ્યાનમાં રાખીને ધનતેરસથી ત્રણ દિવસ દરમિયાન તમામ લોકો માટે મફત મુસાફરીનો નિર્ણય લીધો છે. આ મામલે આવતીકાલે ગુરુવારે(16 ઓક્ટોબર) સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AMTS બસ દોડાવામાં આવે છે. રોજના હજારો લોકો AMTS બસમાં મુસાફરી કરતાં હોય છે, ત્યારે આગામી ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ માટે પ્રવાસીઓ મફત મુસાફરી કરી શકે તે માટે AMTS કમિટીએ પ્રથમ વખત નિર્ણય લીધો છે.
આ મામલે ચેરમેને જણાવ્યું હતું કે, 'દિવાળીના તહેવારોમાં અમદાવાદ બહારથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. એટલાં માટે આગામી 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી તહેવારના દિવસોમાં AMTSમાં તમામ નાગરિકોને મફતમાં મુસાફરીનો લાભ અપાશે. આ મામલે AMTS કમિટીએ દરખાસ્ત મંજૂર કર્યા બાદ હવે કાલે (16 ઓક્ટોબર) સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.'