Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ
દિવાળીના તહેવારમાં નાના વેપારીઓને છેતરવા માટેનુૅ કૌભાંડ સામે આવ્યું
બનાવટી એપ્લીકેશનથી ક્યુ આર કોડ સ્કેન કરતા યુપીઆઇ આઇડી સાથે પેમેન્ટની વિગતો પણ જોવા મળે છેઃ વેપારીઓને સતર્ક રહેવા સુચના

અમદાવાદ,રવિવાર
દિવાળી કે અન્ય તહેવારમાં તેમજ ભીડભાડ વાળી જગ્યા પરના માર્કેટમાં નાના વેપારીઓને ક્યુ આર કોડથી પેમેન્ટ કરવાના નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફોન પે અને પે ટીએમની બનાવટી એપ્લીકેશન તૈયાર કરીને તેમાંથી ક્યુ આર કોડ સ્કેન કરીને વેપારીને પેમેન્ટ કરાયાનું સ્ક્રીન શોટ બતાવવામાં આવે છે. નાના વેપારીઓને આસાનીથી ટારગેટ કરવા માટે ગુજરાત જ નહી પણ દેશના વિવિધ શહેરોમાં આ પ્રકારની બનાવટી એપથી છેતરપિંડી કરવાની નવી મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.
દિવાળીના તહેવારમાં ફટાકડા કે મિઠાઇની દુકાનના નાના વેપારીઓની દુકાનોમાં સામાન્ય દિવસો કરતા વધારે ભીડ જોવા મળે છે. ત્યારે હાલ ક્યુઆર કોડ સ્કેન કરીને સૌથી વધારે પેમેન્ટ કરવામાં આવે છે. જેનો હિસાબ મોટાભાગના વેપારીઓ સાંજે બેંક બેલેન્સ મેળવીને કરે છે. પરંતુ, છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા નાના વેપારીઓને ક્યુ આર કોડથી નાણાં ચુકવવાના નામે નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરવામાં આવી છે. જેમાં ફોન પે અને પેટીએમ જેવી જ બનાવટી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. જેમા ક્યુ આર કોડ સ્કેન કરીને વેપારીને પેમેન્ટ કરાયાનો મેસેજ બતાવવામાં આવે છે. જેમા વેપારીની બેંકનો યુપીઆઇ આઇડી પણ જોવા મળે છે. જેથી વેપારી મેસેજ જોઇને નાણાં તેના ખાતામાં આવી ગયાનું સમજે છે. પરંતુ, હકીકતમાં બનાવટી એપ્લીકેશનથી માત્ર નાણાંના વ્યવહારનો મેસેજ સ્ક્રીન પર આવે છે. પરંતુ, વેપારીના એકાઉન્ટમાં કોઇ નાણાં આવતા નથી.
આ અંગે સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યુ કે પેમેન્ટ એપની બનાવટી એપ્લીકેશનથી નાના વેપારીઓ સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. જેમાં નાની રકમની છેતરપિંડીની શક્યતા છે.
પરંતુ, આ ગંભીર બાબત છે. ત્યારે વેપારીઓએ સાઉન્ડ બોક્સ પર નાણાં મળ્યાને મેસેજ અપડેટ કર્યા બાદ જ નાણાં મળ્યાની ખાતરી કરવી જરૂરી છે. ખાસ કરીને તહેવારમાં આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી નાના વેપારીઓને સંતર્ક રહેવું. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.