અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમનારા ચાર કર્મચારી સસ્પેન્ડ, વાઈરલ વીડિયો બાદ AMCની કાર્યવાહી
Ahmedabad News : ગુજરાતમાં જુગારધામ ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમતા ચાર કર્મચારીઓ ઝડપાયા છે. AMCની દરિયાપુર વોર્ડના મધ્ય ઝોનમાં રંગીલા મસ્ટર ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. AMCએ ચારેય કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે.
AMCના ચાર કર્મચારી સસ્પેન્ડ
મળતી માહિતી પ્રમાણે, ઓફિસ બહારથી તાળું મરાયું હતું અને અંદર જુગાર ચાલી રહ્યો હતો. ઓફિસ ટાઇમમાં કર્મચારીઓ જુગાર રમતાં ઝડપાયા છે. પ્રજાની પ્રાથમિક સુવિધાઓ તથા સમસ્યા ઉકેલવામાં કર્મચારીઓનો રસ નથી. એક તરફ આગળથી મસ્ટર ઓફિસ બંધ અને પાછળ દરવાજાથી જુગાર રમાતા હતો. સમગ્ર મામલે આંતરિક ચકાસણી બાદ, AMC અધિકારીઓએ વીડિયોમાં દર્શાવવામાં આવેલા ચાર વ્યક્તિઓને મ્યુનિસિપલ કર્મચારીઓ તરીકે ઓળખી કાઢ્યા હતા. જેમાં ગોપાલભાઈ કાનજીભાઈ, જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ, સોહનભાઈ મોતીભાઈ અને જગદીશભાઈ ભીખાભાઈ ચારેય વ્યક્તિઓ સુવિધામાં મશીન હોલ વર્કર તરીકે કાર્યરત છે.
આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા, AMCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'આ કર્મચારીઓનું વર્તન ફરજમાં ગંભીર બેદરકારી સમાન છે. ચારેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ વાઈરલ વીડિયો, જે સત્તાવાર કામકાજના કલાકો દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તેની જાહેર જનતા અને નાગરિક નેતાઓ બંને તરફથી સરકારી સમય અને સંપત્તિના દુરુપયોગ બદલ આકરી ટીકા થઈ હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'કોઈપણ સરકારી સંસ્થામાં આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે. આ મામલે તપાસ ચાલી રહી છે, અને યોગ્ય શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવશે. આરોપીઓ સામે આગળની કાર્યવાહી વિભાગીય તપાસના પરિણામ પર આધારિત રહેશે.'