Get The App

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ 1 - image


Jamnagar News: જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરાને જામનગર સાયબર પોલીસે ઝડપી લીધા બાદ તેના એક સાગરિત ધ્રોળના એક શખ્સને ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જે જામનગર પંથકની તમામ માહિતી નેપાળમાં બેઠેલા વિશાલને પૂરી પાડતો હતો.

શું છે સમગ્ર મામલો?

જામનગરના બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની આ.ઇડી.ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઈમ  પોલીસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. 

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ 2 - image

મુખ્ય સૂત્રધાર પોલીસ જાપ્તામાં

દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં સૌ પ્રથમ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે બંનેને રિમાન્ડ પર લીધા બાદ હાલ બંનેને જેલ હવાલે કરી દેવાયા છે. જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે અગાઉ પકડાયેલા આરોપી પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા માટે ભારતમાં આવીને જામનગર પહોંચ્યો હતો. તે દરમિયાન જામનગર સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો છે, જેને અદાલત સમક્ષ રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે.

માહિતી આપનારની પણ ધરપકડ

પોલીસ દ્વારા તેના બે મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા છે તેમજ કડક હાથે પૂછપરછ થઈ રહી છે. જેમાં તેને જામનગર પંથકની તમામ માહિતી ધ્રોલમાં રહેતો રાજેન્દ્રસિંહ સોલંકી નામનો સાગરીત પુરી પાડતો હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો: દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ નહીં કરાય, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ રેલવેનો નિર્ણય

જેથી જામનગર સાઈબર ક્રાઇમ પોલીસની ટીમે ધ્રોળના વતની રાજેન્દ્રસિંહ સોલંકીની પણ ધરપકડ કરી છે. તેને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, અને પાંચ મોબાઇલ ફોન કબજે કરાયા છે.