સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ

લેબોરેટરીના રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરાશે
તંત્રની ટીમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તેલના દસ નમુના ટેસ્ટ માટે મોકલ્યા
સુરેન્દ્રનગર - દીવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.
જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાના હેતુથી ફૂડ સેફ્ટીની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી.
તંત્રની ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે આજે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને અમે લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છીએ. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
આરોગ્ય વિભાગને તહેવાર ટાણે જ લોકોના સ્વાસ્થ્યની ચિંતા થતાં કામગીરી સામે સવાલ
ફુડ એન્ડ ડ્રગ અને પુરવઠા વિભાગને સૌથી મોટા ત્યહેવાર દિવાળી ટાણેજ કેમ પ્રજાના આરોગ્યની ચિંતાઓ જાગે છે બાકીના મહિનામાં કેમ કામગીરી ઠપ્પ થઇ જાય છે અને એક કે બે જગ્યાએ જઇને નમુનાઓ લયને સંતોષ માની લેવામાં આવે છે. શું ત્યહેવાર ટાણે જ આ બધુ નિવેધ ધરાવવા માટેનું તરકટ છે કે શુ એવી પણ લોકોમાં ચર્ચાઓ વહેતી થઇ છે
દિવાળી બાદ આવશે રિપોર્ટ!
હવે સવાલ એ થાય છે કે, જો રિપોર્ટમાં કોઈ નમૂના ફેલ થાય છે તો ત્યાં સુધીમાં તો અખાદ્ય જથ્થાનો ઘણો ભાગ વેચાણ થઈ ગયો હશે અને એ જે લોકો ખાઈ ગયા હશે એના આરોગ્યની ચિંતા કોણ કરશે? વેપારી તો નાનો-મોટો દંડ ભરીને છૂટી જવાનો છે. વારેતહેવારે આ પ્રમાણે તહેવાર પહેલા આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરતું હોય છે અને એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો જે મીઠાઈઓના નમૂનાઓ લેવાયા છે એ વેચાઈ પણ ગયા હોય અને લોકો ખાઈ પણ ગયા હોય. આરોગ્ય ફક્ત દેખાડા પુરતી કાર્યવાહી કરીને સંતોષ માનવામા આવી રહ્યો હોવાની લોકમુખે રાવ છે.
શહેર અને જિલ્લામાં આવી અનેક ભેળસેળ યુક્ત હાટડીઓ ચાલે છે
સુરેન્દ્રનગર સહીત સમગ્ર જીલ્લામા ભેળસેળ યુક્ત અને ખાદ્યપદાર્થો હોયકે ફરસાણની દુકાનો ચલાવતા તમામને ત્યા ચેકિંગ કેમ રૃટીન કરાતુ નથી. તહેવાર ટાણે વેચાતા ફરસાણ વિવિધ મીઠાઇઓ એને બનાવવા વપરાતા માવા તેલ સહિતમાં વ્યાપક ભેળસેળ થતુ હોવાની અનેક ફરીયાદો ઉઠે છે. આ તમામ જગ્યાએ કોણ ચેકીંગ કરશે અને ક્યારે ચેકીંગ કરશે ? એ સૌથી મોટો સવાલ છે.