Get The App

અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ 1 - image


Ahmedabad Flower Show: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા, વધુમાં વધુ લોકો આ રંગબેરંગી ફ્લાવર શો નિહાળી શકે તે હેતુથી મુલાકાત સમય વધારી દેવામાં આવ્યો છે.

હવે આવતીકાલ તારીખ 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે, જ્યારે ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓએ રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે જે પહેલા 9:00 કલાક સુધી જ હતી.

રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં

વધુમાં વધુ નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે સવારની VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. સવારના 07:00 વાગ્યાથી 08:00 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે તથા VIP મુલાકાત સમય સવારના 08:00 થી 09:00 વાગ્યા સુધી રહેશે.

ટિકિટના દર પર કરો નજર

મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે 'પ્રાઇમ સ્લોટ'ની પણ વ્યવસ્થા છે. જે  'પ્રાઇમ સ્લોટ' હવે માત્ર સવાર પૂરતો જ રહેશે.

ઓનલાઈન પ્રક્રિયા

ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગની પ્રક્રિયા AMC દ્વારા જાહેર કરાયેલા QR કોડને સ્કેન કરીને નાગરિકો સરળતાથી ઘરેબેઠા ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. QR કોડ સ્કેન કર્યા બાદ ખુલતા પેજ પર પોતાનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને, ફ્લાવર શો અથવા કોમ્બો ટિકિટ સિલેક્ટ કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ટિકિટ મળી જશે, જે બતાવીને પ્રવેશ મેળવી શકાશે.

અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ 2 - image

બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં મેળવીને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર અલગ ઓળખ અપાવી, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા છે. પ્રથમ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS (Differential Global Positioning System) ટૅક્નોલૉજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે. અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વારા કરવામાં આવેલી આ માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારનો ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ 3 - image

આ સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું Total Station Survey તથા Measuring Tape દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડો આધારે આ પોર્ટ્રેટને World Largest Flower Portrait તરીકે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો.