ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

ISKCON Bridge Accident Case : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતાને માનવવધની કલમમાંથી ડિસ્ચાર્જ મેળવવા કરાયેલી રિવિઝન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. જ્યારે તથ્યના પિતાને મુક્તિ આપવામાં આવી છે.
તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર હંકારીને 9 નિર્દોશ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. IPC 304 અને 308 માંથી ડિસ્ચાર્જ મેળવવા માટે તથ્ય અને તેના પિતાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટે તે નકારી કાઢતાં અંતે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી હતી.
આરોપી દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજી પર હાઈકોર્ટે બે વર્ષે સુનાવણી કરી છે. જેમાં હાઈકોર્ટે તથ્ય પટેલ પર લાગેલી IPC 304 અને 308 કલમ દૂર કરવાનો ઈનકાર કર્યો છે. જ્યારે તથ્યના પિતાને તેમાંથી મુક્તિ અપાઈ છે. તથ્ય પટેલને માનવવધની કલમમાંથી મુક્તિ ન આપતાં તેને જોગવાઈ અનુસાર 10 વર્ષની કેદ થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા
શું હતી ઘટના?
19મી જુલાઈ, 2023 ની રાત્રે આરોપીની જગુઆર કાર દ્વારા તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા.

