Gujarat

સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન

By GS TEAM
14 Sep 20253 mins read
TukuTouch Logo
વરસાદી પ્રકોપના કારણે બનાસકાંઠાના સુઇગામ અને પાટણના સાંતલપુરનું નાનું અને મોટુ રણ દરિયામાં ફેરવાઈ જવાની સાથે હજારો અગરિયાઓની રોજગારી છિનવાઈ ગઈ છે. જ્યાં મીઠું પકવવામાં આવે છે, તેવા નાના ફાર્મ તથા કંપનીઓનાં યુનિટ્‌સના વિસ્તારમાં માથા ડૂબ પાણી ભરાઈ જવાના કારણે મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન પડવાનું નક્કી છે. કરૂણતા એવી છે, કે પાટણના સાંતલપુરના અને સુઇગામના બોરૂ, મસાલી, અને માધવપુર ગામના મીઠું પકવવાની મજૂરી કરતા 5 હજાર જેટલા અગરિયા પરિવારોની હાલત કફોડી થઈ છે. આ સાથે મીઠું પકવવાનું કામ હવે બેથી ત્રણ મહિના મોડું થવાના કારણે મીઠાનું ઉત્પાદન લાખ્ખો ટનમાં ઘટવાના અણસાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન

Image: X



Gujarat Flood: વરસાદી પ્રકોપના કારણે બનાસકાંઠાના સુઇગામ અને પાટણના સાંતલપુરનું નાનું અને મોટુ રણ દરિયામાં ફેરવાઈ જવાની સાથે હજારો અગરિયાઓની રોજગારી છિનવાઈ ગઈ છે. જ્યાં મીઠું પકવવામાં આવે છે, તેવા નાના ફાર્મ તથા કંપનીઓનાં યુનિટ્‌સના વિસ્તારમાં માથા ડૂબ પાણી ભરાઈ જવાના કારણે મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન પડવાનું નક્કી છે. કરૂણતા એવી છે, કે પાટણના સાંતલપુરના અને સુઇગામના બોરૂ, મસાલી, અને માધવપુર ગામના મીઠું પકવવાની મજૂરી કરતા 5 હજાર જેટલા અગરિયા પરિવારોની હાલત કફોડી થઈ છે. આ સાથે મીઠું પકવવાનું કામ હવે બેથી ત્રણ મહિના મોડું થવાના કારણે મીઠાનું ઉત્પાદન લાખ્ખો ટનમાં ઘટવાના અણસાર છે. 

મીઠા ઉદ્યોગ પર કુદરત રૂઠી

કચ્છના ના‌ના અને મોટા રણ વિસ્તારમાં પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં બનાસકાંઠાના સુઇગામ વિસ્તારમાં અને કચ્છના આડેસરા વિસ્તારમાં ધમધમતા મીઠા ઉદ્યોગ પર કુદરત રૂઠી છે. નાના રણના જ 22 કિલોમીટર અને મોટા રણમાં 20 કિલોમીટરથી વઘુ વિસ્તારમાં મીઠું પકવવાની કામગીરી બે થી ત્રણ મહિના મોડી શરૂ થશે. કેમ, 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને તેનો કુદરતી રીતે નિકાલ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. આ સંજોગોમાં રાબેતા મુજબ નવરાત્રિની શરૂઆતેથી કામ કરવા જવાનું શક્ય બને તેમ રહ્યું નથી. 

આ પણ વાંચોઃ જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ

દિવાળી અથવા તો દેવદિવાળી ઉતર્યા બાદ જો સ્થિતિમાં સુધારો આવે તો અગરિયાઓ રણમાં પ્રવેશ કરીને મીઠું પકવવાનું કામ કરી શકશે. જોકે, ભારે વરસાદના કારણે મીઠા ફાર્મના પાળા તૂટી ગયા છે અને ખારાશ કાઢવા માટે કરવામાં આવતા 90 થી 100 ફૂટ ઉંડાઈના 70 ટકા ઉપરાંત બોર પણ ફેલ થઈ ગયા છે.


1200 જેટલા નાના ફાર્મમાં જ 24 લાખ ટન મીઠું પાકે છે

સાંતલપુર પાસે કચ્છના નાના રણ વિસ્તારમાં કોઈ નાની મોટી કંપનીઓના નહીં પરંતુ અગરિયાઓના 1200 જેટલા નાના ફાર્મ આવેલા છે. જેમાં દરેકમાં 2 હજાર ટન જેટલું મીઠુ પકવવામાં આવતુ હોવાથી આ વિસ્તારમાંથી જ સરેરાશ 24 લાખ ટન જેટલુ મીઠું પાકે છે. અહીં 3600 જેટલા અગરિયા પરિવારોને રોજગારી મળે છે. પરંતુ હવે તેમને માંડ દોઢેક મહિના માટે કામ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ વીજકરંટથી દંપતીના મોત મામલે મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મીઓને બલીનો બકરો બનાવાયા

હજુ બનાસ નદીના પાણીની આવક ચાલુ હોવાથી હાલાકી

એક અઠવાડિયા પહેલા સુઇગામ વિસ્તારમાં 17 ઈંચ વરસાદ પડવાથી આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. કચ્છનું મોટુ રણ કહેવાતા બનાસકાંઠા જિલ્લામાં આવેલા આ બોરૂના રણ વિસ્તારમાં 700 જેટલા નાના યુનિટ આવેલા છે અને તેમાં પણ 1500 જેટલા પરિવાર મીઠું પકવવાના કામમાં પરોવાઇને રોજગારી રળે છે. પરંતુ માથોડા ઊંચા પાણી ભરાવાની સાથે બનાસ નદીમાંથી પાણીની આવક ચાલુ રહેતા હાલાકી વધી છે.

વર્ષ 2015 અને 2017 બાદ ફરી એક મોટો ફટકો

મીઠા ઉદ્યોગને વરસાદી પ્રકોપના કારણે જ ભૂતકાળમાં વર્ષ 2015 અને વર્ષ 2017માં વ્યાપક નુકશાની વેઠવાની આવી હતી. આઠ વર્ષ પછી વર્ષ 2025ના ચોમાસાએ અગરિયાઓ ઉદ્યોગપતિઓ અને મીઠા ઉદ્યોગને ફરીવાર એ વસમી યાદો તાજી કરાવી છે. ખાસ કરીને અગરિયાઓને જેમને રોજના માત્ર 400 રૂપિયા મજૂરી મળે છે. તેમની હાલત વિશેષ કફોડી બનવા સાથે સમગ્ર ઉદ્યોગને કરોડોની નુકશાની વેઠવાની આવી છે.