29 વર્ષ પહેલા લીધેલી રૃા.15 હજારની લાંચમાં વીજ કું.ના જુનિયર ઇજનેરને પાંચ વર્ષની સખ્તકેદ

આરોપી હેમાંગ પટેલ નહી મળતા લાપત્તા જાહેર કરાયો ઃ ટ્રેપીંગ અને તપાસ અધિકારીનું નિધન થતા તેમનો પુરાવો રેકર્ડ પર લેવાયો નહોતો

Updated: Jan 25th, 2023સુરત

આરોપી હેમાંગ પટેલ નહી મળતા લાપત્તા જાહેર કરાયો ઃ ટ્રેપીંગ અને તપાસ અધિકારીનું નિધન થતા તેમનો પુરાવો રેકર્ડ પર લેવાયો નહોતો

1993માં સચીન જીઆઈડીસી ના શેડમાં વીજ જોડાણ મેળવવા તથા એક્સટેન્શન કનેકશન માટે કુલ રૃ.15 હજારની લાંચના છટકામાં ઝડપાયેલા જીઈબીના જુનિયર એન્જિનિયરને એડીશ્નલ સેશન્સ જજ રોબીન પી.મોગેરાએ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ-7 તથા 13(1)(ડી) સાથે વાંચતા 13(2)ના ગુનામાં દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ, 10 હજાર દંડ ન ભરે તો વધુ એક મહીનાની કેદની સજા ફટકારી છે. લાંબા સમયથી ન્યાયિક પ્રક્રિયામાં ગેરહાજર રહેનાર  આરોપી વિરુધ્ધ કોર્ટે સજાનું વોરંટ ઈસ્યુ કરી એસીબીને વધુ કાર્યવાહી માટે સુપરત કર્યું છે.

સચીન જીઆઈડીસી ખાતે શેડ નં.481માં ફરિયાદી માલિકે તા.3-8-1993ના રોજ કામ ચલાઉ વીજ જોડાણ તથા ત્યારબાદ એક્સટેન્શન કનેકશન મેળવવા માટે જરૃરી કાગળો સાથે અરજી કરી હતી.જેના અનુસંધાને સ્થળ મુલાકાતે આવેલા જીઈબીના આરોપી જુનિયર એન્જિનિયર હેમાંગ ભાઈલાલ પટેલે(રે.ઈન્દ્રપુરી સોસાયટી,લાંભવેલ રોડ,આણંદ ખેડા)એ ફરિયાદી પાસેથી પ્રથમ 10 હજારની લાંચ માંગી હતી.ત્યારબાદ વધુ ૫ હજારની લાંચની માંગ કરતાં ફરિયાદીએ આરોપી વિરુધ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી તા.23-11-93ના રોજ ફરિયાદી પાસેથી આરોપી હેમાંગ પટેલે રૃ. 5 હજારની લાંચના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા.લાંચ રુશ્વત વિરોધી ખાતાના ફરિયાદી અધિકારીએ આરોપી વિરુધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7,13(1)(ડી)(1)(2)(3) તથા 13(2)ના  ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજથી 29 વર્ષ પહેલાં નોંધાયેલા લાંચ કેસની કાર્યવાહીની સુનાવણી દરમિયાન લાંચના છટકું ગોઠવનાર તથા તપાસ અધિકારીનું નિધન થવાથી તેમનો પુરાવો રેકર્ડ પર લેવામાં આવ્યો નહોતા.જ્યારે લાંચ કેસના આરોપી હેમાંગ પટેલ પણ તપાસ અધિકારીના શ્રેષ્ઠ પ્રયાસો છતાં લાંબા સમયથી મળી ન આવતાં તેને લાપત્તા જાહેર કરવામાં આવ્યો હતો. આજરોજ આ કેસની સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે એપીપી ઉમેશ પાટીલે મૂળ ફરિયાદી તથા નજરે જોનાર પંચ સાક્ષીની જુબાની તથા દસ્તાવેજી પુરાવા રજુ કરતા કોર્ટે આરોપી હેમાંગ પટેલને લાંચના ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારી હતી.કોર્ટે આરોપી મળી આવતો ન હોઈ સજાનું વોરંટની બજવણી કરી સજાના હુકમનો અમલ કરાવવા એસીબીને વિશેષ  કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.


    Sports

    RECENT NEWS