Gujarat

જામનગર શહેર તેમજ અલીયાબાડામાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ વ્યક્તિના હૃદય બંધ પડી જવાથી મોત

By GS Team
22 Nov 20212 mins read
This article was originally published on 22 Nov 2021
જામનગર શહેર તેમજ અલીયાબાડામાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ વ્યક્તિના હૃદય બંધ પડી જવાથી મોત

જામનગર, તા. 22 નવેમ્બર 2021 સોમવાર

જામનગર શહેર અને અલીયાબાડામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને છાતીમાં ગભરાટ થવાથી તેમજ હૃદયમાં તકલીફ થવાના કારણે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પછી પાંચ વ્યક્તિના હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ થયા છે. પોલીસે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે ગરબી ચોકમાં રહેતા મીનાબેન મુકેશભાઈ ત્રિવેદી નામના 57 વર્ષીય મહિલાને રાત્રે બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર પેટમાં તેમજ છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા પછી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરના ખંભાળિયા નાકા બહાર જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતી હીરાબેન ભરતભાઈ કોટક નામની ચાલીસ વર્ષની યુવતીને પણ ગઈ રાત્રે પોતાના ઘેર પેટમાં અને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઈ જવાયા પછી સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજયું છે.

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા લાલદાસ નાથુલાલ શાણી નામના 30 વર્ષના યુવાનને છેલ્લા છ દિવસથી તાવ આવતો હોવાથી અને લોહીની ઊલટી થઈ ગઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગઈકાલે તેનું હૃદય બંધ પડી જતા મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા અયુબભાઇ આદમભાઈ ભાયા નામના 45 વર્ષના યુવાનને છેલ્લા આઠેક માસથી તાવની બીમારી હોવાથી તેમની તબિયત લથડતા ગઈકાલે રાત્રે 108 નંબરની એમ્બ્યુલન્સ ની મદદથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા પછી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના આલિયા બાડા ગામમાં રહેતા કનુભાઈ દેવરાજભાઈ બરબચીયા નામના 34 વર્ષ નો યુવાન કે જે ગઈકાલે પોતાની વાડીએ ઘાસ નાખવા માટે ગયો હતો, તે દરમિયાન બેભાન થઈને ઢળી પડયો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ માં લઇ જવાયા પછી ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. જે મામલે પંચકોશી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.