mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પાંડેસરાની આકૃતિ ડાઈંગ મિલમાં આગ : જીવ બચાવવા મહિલા પહેલા માળેથી કૂદી

બે કારીગર દાઝી ગયા, અન્ય છ મહિલાઓને ગૂંગળામણ અને ઈજા : ફાયરબ્રિગેડે 10 થી 15 વ્યકિતને બીજા માળેથી સલામત ઉતાર્યા

ડમ્પટીંગ મશીનમાં લાગેલી આગ ગ્રે કાપડ અને ઓઈલ ટેન્કમાં પ્રસરતા ધુમાડો ફેલાયો હતો

Updated: Nov 24th, 2022

પાંડેસરાની આકૃતિ ડાઈંગ મિલમાં આગ : જીવ બચાવવા મહિલા પહેલા માળેથી કૂદી 1 - image


- બે કારીગર દાઝી ગયા, અન્ય છ મહિલાઓને ગૂંગળામણ અને ઈજા : ફાયરબ્રિગેડે 10 થી 15 વ્યકિતને બીજા માળેથી સલામત ઉતાર્યા

- ડમ્પટીંગ મશીનમાં લાગેલી આગ ગ્રે કાપડ અને ઓઈલ ટેન્કમાં પ્રસરતા ધુમાડો ફેલાયો હતો


સુરત, : સુરતના પાંડેસરા જીઆઈડીસી સ્થિત આકૃતિ ડાઈંગ મિલમાં ડમ્પટીંગ મશીનમાં લાગેલી આગ ગ્રે કાપડ અને ઓઈલ ટેન્કમાં પ્રસરતા વિકરાળ બનવાની સાથે ભારે ધુમાડો ફેલાતા પહેલા માળે ફસાયેલી મહિલા જીવ બચાવવા કૂદી હતી.આ બનાવમાં બે કારીગર દાઝી જતા અને અન્ય છ મહિલાઓને ગૂંગળામણ થતા તેમજ ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા દોડી ગયેલી ફાયર બ્રિગેડે 10 થી 15 વ્યકિતને બીજા માળેથી સલામત ઉતારી આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવ અંગે ફાયર બ્રિગેડના સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાંડેસરા જીઆઈડીસી સ્થિત આકૃતિ ડાઈંગ મિલમાં આજે સવારે 11.10 કલાકે અચાનક ડમ્પટીંગ મશીનમાં આગ લાગી હતી.આગ ગ્રે કાપડના જથ્થા અને ઓઈલ ટેન્કમાં પ્રસરતા વિકરાળ બનવાની સાથે ભારે ધુમાડો ફેલાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.તે સમયે ત્યાં હાજર કારીગરોએ જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.તે પૈકી એક મહિલા પહેલા માળે ફસાઈ હોય તેણે ત્યાંથી નીચે કૂદકો મારતા તેને સામાન્ય ઈજા થઈ હતી.જયારે બે પુરુષ અને છ મહિલાને ગૂંગળામણ થતા તેમજ ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તે પૈકી બે કારીગર દિનેશભાઇ રામખિલાડી યાદવ ( ઉ.વ.50, રહે.25, જયજવાન જયકિશાન નગર, પાંડેસરા, સુરત ) અને સુદાસુ રમાશંકર યાદવ ( ઉ.વ.30, હરસિધ્ધિ નગર, પાંડેસરા, સુરત ) દાઝી જતા તેમને દાખલ કરાયા હતા.

પાંડેસરાની આકૃતિ ડાઈંગ મિલમાં આગ : જીવ બચાવવા મહિલા પહેલા માળેથી કૂદી 2 - image

બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ભેસ્તાન, માન દરવાજા, ડિંડોલી અને મજૂરાગેટ ફાયર સ્ટેશનની 10 ગાડી સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 10 થી 15 વ્યકિતને બીજા માળેથી સલામત ઉતાર્યા હતા.

Gujarat