અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારમાં એક મકાનમાં આગની ઘટના, બે લોકો પહેલા માળેથી કૂદ્યા, એકને ગંભીર ઈજા
Ahmedabad News : ગુજરાતમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ વિતરણ સેન્ટર પર શનિવારે (7 જૂન) સવારે આગ લાગી હતી. આઈસ્ક્રીમની નાની ત્રણ પૈડા વાળી સાયકલોની બેટરીઓ ચાર્જમાં મૂકી હતી અને અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગના બનાવી જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને આગ પર કાબુમાં મેળવી લીધો હતો.
ચાર્જિંગ દરમિયાન ઇલેક્ટ્રિકલ ઓવરલોડના કારણે લાગી આગ
મળતી માહિતી મુજબ, હેવમોર ડિસ્ટ્રિબ્યુશનની બેટરી વાળી થ્રી વ્હીલરમાં આગ લાગી હતી, જેમાં ઇલેક્ટ્રિકલ ઓવરલોડને કારણે ચાર્જિંગ દરમિયાન આગ લાગી હતી. આ પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને સ્થળ પર પાર્ક કરેલી નજીકની બે ટ્રાઇસાઇકલને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગના બનાવમાં પ્રથમ માળે પાંચ લોકો ફસાયા હતા. જેમાં બે લોકો કૂદી પડ્યા હતા અને ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા હતા.
અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ત્રણ ફાયર ફાઇટિંગ વાહનો અને 10 ફાયર ફાઇટરોની ટીમે આગને કાબુમાં લીધી હતી. અને સેન્ટરની અંદર ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં બાળ મજૂરીનો મામલો ગરમાયો, પશ્વિમ બંગાળ પોલીસ તપાસ માટે રાજકોટ પહોંચી
આ ઘટનામાં શ્યામ સુંદર નામના એક વ્યક્તિને દાઝી જવાથી ઇજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે કૈલાશ (ઉં.વ. 55) નામના અન્ય એક વ્યક્તિને ઘટનાસ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. ફાયર અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે, તાત્કાલિક કાર્યવાહીથી આગ નજીકના બાંધકામો અથવા વાહનોમાં વધુ ફેલાતા પહેલા કાબુમાં લેવામાં આવી હતી.