Ahmedabad Police Raid News : અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા, પંચવટી વિસ્તારના એક ફ્લેટના ટેર્રેસમાં દરોડો પાડી પોલીસે 16 યુવક-યુવતીઓને દારૂનો નશો કરેલી હાલતમાં પકડ્યાની વિગતો છે. ઈન્ફ્લુએન્સર તરીકે કાર્યરત વ્યક્તિએ ગેટ-ટુ-ગેધરના નામે ડી.જે. મ્યુઝિક અને ડાન્સ સાથે પાર્ટી યોજી હતી તેની ધમાલથી કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો.
યુનિવર્સિટી પોલીસે દરોડો પાડયો ત્યારે હાજર 30 લોકોમાંથી 12 યુવક અને ચાર યુવતી નશો કરેલી હાલતમાં હોવાનું જણાતાં મેડિકલ ટેસ્ટની કાર્યવાહી કરાઈ છે. હવે, ઉત્તરાયણના તહેવાર દરમિયાન પોશ વિસ્તારમાં દારૂ અને ડાન્સ પાર્ટી પકડાતાં ફરિયાદ નોંધવા તજવીજ ચાલે છે.
ગુલબાઈ ટેકરા, પંચવટી વિસ્તારમાં શ્રી સોસાયટી નજીક સેન્ટેરિયન વિસ્ટા નામના પાંચ માળના વૈભવી એપાર્ટમેન્ટ છે. ઢળતી સાંજે શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને આ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર દારૂ, હુક્કા સાથે ડી.જે. એન્ડ ડાન્સ પાર્ટી ચાલતી હોવાની ફરિયાદ કરતો ફોન કોઈ નાગરિકે કર્યો હતો. યુનિવર્સિટી પોલીસની ટીમે દરોડો પાડીને ટેરેસ ઉપર ચાલી રહેલી ડાન્સ પાર્ટીમાંથી અંદાજે ત્રીસેક યુવક-યુવતીઓને તપાસ્યાં હતાં.
પ્રાથમિક તપાસ દરમિયાન 12 યુવક, ચાર યુવતી મળી કુલ 16 લોકો નશો કરેલી હોવાની હાલતમાં હોવાનું જણાતાં તમામને મેડિકલ ટેસ્ટ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાર કલાકની તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, પાર્ટીનું આયોજન કુશલ શાહ નામના વ્યક્તિએ કર્યું હતું. સ્થળ ઉપરથી દારૂની નાની-મોટી અને ખાલી-ભરેલી 20 જેટલી બોટલો મળી છે વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે પોશ વિસ્તારમાં આવેલા કુલ 10ફ્લેટ છે તેવા એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર પકડાયેલી પાર્ટીમાં દારૂની મોંઘી બોટલો, હુક્કા, નાસ્તો અને ખાવાના પાંચ કાઉન્ટર હતાં.
આરોપીઓની યાદી
કુશલ ઉદયન
જયશલ રાજનભાઈ
રાજભાઈ પરાગભાઈ
પ્રદીપ કરણભાઈ
રસીક કુમાર જયંતીલાલ
વિદીત કશ્યપ
બિપીન મનોજભાઈ
ધ્રૂવ ભરતભાઈ
મહાવીર લલીત ભાઈ
તરુણ જવાહરભાઈ
વિશાલ અનિલભાઈ
બાબુલાલ ભેરુલાલ
આશીષ વાલજીભાઇ
જોરાવર સિંહ ચૌહાણ
સોનુ
નંદીક ત્રિવેદી


