દાહોદમાં પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ
Dahod News : રાજ્યમાં મારામારી, હત્યા, આપઘાતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે દાહોદમાં પિતાએ બે પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. દાહોદના કઠલા ગામની સીમમાં પિતાએ બે પુત્ર સાથે સામૂહિક આપઘાત કરવાની ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, મૂળ દાહોદના ખંગેલા ગામના અરવિંદભાઈ વહોનિયા (ઉં.વ. 32) કઠલા ગામના છાયણ ફળિયામાં પોતાના 5 વર્ષીય સુરેશ અને 7 વર્ષના રવિ એમ બે પુત્રો સાથે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી છે. સમગ્ર ઘટના મામલે પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલાં દાદરા અને નગર-હવેલીના સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના શખ્સે પોતાના બાળકોને ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસમાં મૃતકે કૌટુંબિક વિવાદ, નાણાકીય સમસ્યા અને માનસિક અસ્વસ્થ હોવાના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી.