ઊના પંથકના ગાંગડા ગામની સીમનો બનાવ : ખાટલામાં સૂતેલા પ્રૌઢ પર સીધો જ હુમલો કરી દેતાં બચાવવા ગયેલા પુત્ર પર પણ ત્રાટક્યો હતો, ઈજાગ્રસ્ત પિતા- પુત્ર સારવારમાં
ઊના/સામતેર, : ઊના પંથકના ગાંગડા ગામની સીમમાં પિતા-પુત્રએ સ્વબચાવમાં દાંતરડાના ૮થી ૧૦ ઘા ઝીંકી દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દીપડાએ પ્રથમ ખાટલા પર સૂતેલા પ્રૌઢ પર જ સીધો હુમલો કરી દેતા પિતાને બચાવવા ગયેલા પુત્ર પર પણ ત્રાટક્યો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.
તાલુકાના રામેશ્વર ગામના વતની બાબુભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ. 60)ની ગાંગડા ગામની સીમમાં નવ વીઘા ખેતીની જમીન આવેલી છે. બાબુભાઈ ગત રાત્રિના સમયે ભોજન લઈ મકાનની ઓસરીમાં ખાટલા પર સુતા હતા ત્યારે શિકારની શોધમાં અચાનક આવી ચડેલા ખૂંખાર દીપડાએ તેમની પર સીધો જ હુમલો કરી દીધો હતો. બાબુભાઈએ રાડારાડી કરતા બાજુના રૂમમાં રહેલ પુત્ર શાર્દુળભાઈ (ઉ.વ.27) જાગી જતા તાત્કાલિક બહાર આવી પિતાને બચાવવા દોડી જતા દીપડાએ તેની પર પણ હુમલો કરી દીધો હતો. જેથી પુત્રને દીપડાના સકંજામાંમાંથી છોડાવવા ઇજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં બાબુભાઈ હિંમતપૂર્વક હાથમાં દાંતરડું અને લાકડી લઈ દોડયા હતા અને સ્વબચાવમાં દાંતરડાના અંદાજે 8થી 10 ઘા ઝીંકી દેતા દીપડો મોતને ભેટી ગયો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને 108 મારફત સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. શાર્દુળભાઈને હાથમાં જ્યારે બાબુભાઈને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઇજા થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયેલા અને તેમને 50થી વધુ ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જશાધાર રેન્જ કચેરીના આરએફઓ ભરવાડ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મૃત દીપડાનો કબ્જો લઈ પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. તેમજ દાંતરડું અને લાકડી પણ કબ્જે કરી વધુ તપાસ શરૂકરી છે. પંથકમાં પ્રથમ વખત દીપડાનું મોત સ્વબચવમાં થયું હોવાનું જાણવા મળે છે.
દીપડાના માનવ પર હુમલાના બનાવ વધ્યા
ઊના અને ગીરગઢડા પંથકમાં રેવન્યુ, ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં દીપડાના માનવ પર હુમલાના વધેલા બનાવ ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારે હિંસક વન્ય પ્રાણીઓથી લોકોને રક્ષણ મળે તે માટેના ઠોસ પગલાં લેવા હવે જરૂરી બન્યા છે.


