ગોંડલના બિલીયાળા ગામમાં વીજ કરંટથી પિતા-પુત્રના મોત, રક્ષાબંધન પહેલા બહેનોએ ભાઈ ગુમાવ્યો
Gondal News: ગોંડલના બિલીયાળા ગામે વીજ કરંટ લાગતા પિતા-પુત્રના ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બિલીયાળા ગામની સીમમાં પાણીની મોટર ચાલુ કરવા જતા 55 વર્ષીય ભીખા હિરપરા અને 19 વર્ષીય પુત્ર ક્રિસ હિરપરાને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, પીજીવીસીએલની ટીમના ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
બે બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ
મળતી માહિતી અનુસાર, ગોંડલના બિલીયાળા ગામેની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા ભીખા હિરપરા અને પુત્ર ક્રિસ હિરપરાને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ક્રિશ હિરપરા BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રક્ષાબંધન પહેલા બે બહેનોના એકના એક ભાઈ અને પિતા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા
હાલ પિતા-પુત્રના મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ગોંડલ પોલીસ,પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં યુવા અગ્રણી ગણેશ જાડેજા, બીલયાળા સરપંચ દીપકભાઈ(લાલો) રૂપરેલીયા, શહેર ભાજપ પ્રમુખ સમીર કોટડિયા, યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના લોકો સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.