Surat Crime: ગુજરાતમાં નજીવી બાબતોમાં આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરત અને રાજકોટમાં આવી જ બે અલગ-અલગ હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. સુરતમાં પિતાના ઠપકાથી માઠું લાગી આવતા એક 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે રાજકોટમાં પત્ની સાથેના ઝઘડા બાદ એક યુવાને ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા
એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક
મળતી માહિતી મુજબ, સુરતના રામપુરા વિસ્તારમાં રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય દીકરો દાનિશ મોતીપાણી પણ હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. જેના પગલે, શુક્રવારે (૨૬ ડિસેમ્બર) રાત્રે આવેશમાં આવીને દાનિશે પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
પિતાએ ઠપકો આપ્યો અને...
સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ, દાનિશ નીચે ઉભેલા એક 'છોટા હાથી' ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો. પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો ગંભીર આઘાત આપશે તેવી કલ્પના પણ પરિવારે કરી ન હતી. આ મામલે લાલગેટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની સાથેના વિવાદથી ભર્યું ચોંકાવનારૂ પગલું
બીજી બાજુ, રાજકોટ શહેરના રૈયા રોડ પર શ્યામનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 41 વર્ષીય હરેશ જેઠવાએ રૈયા ચોક ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હરેશને તેની પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેનાથી તેને માઠું લાગી આવતા તેણે આ પગલું ભર્યું હતું. ઓવરબ્રિજ પરથી કૂદવાને કારણે યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


