અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શોધખોળ આદરી
Amreli News : રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસે બનાવના કારણ જાણવા અને આરોપીને દબોચી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં યુવતીના પર ચપ્પુથી જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. આરોપીએ યુવતીને ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. કેટલા વ્યક્તિ દ્વારા હુમલો કરાયો અને શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જીવલેણ હુમલાની ઘટના મામલે યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 'તાજેતરમાં યુવતીની સગાઈ કરવામાં આવી છે. જેને લઈને વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો શખ્સ યુવતીનો પીછો કરતો હતો. જેને આજે હુમલો કર્યો હતો.' પોલીસે ફરિયાદના આધારે અલગ-અલગ ટીમ બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પ્રેમસંબંધ સહિતની બાબતે પણ પોલીસ તપાસ શરૂ છે.