Vadodara Accident: વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 પર કરજણ નજીક અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (31મી જાન્યુઆરી) વહેલી સવારે બામણગામ પાટિયા નજીક એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
અમરેલીથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ જ્યારે કરજણના બામણગામ પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બચચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના રોડ પર બિલ્ડરોની દબાણ વિભાગ સાથે જીભાજોડી
ફાયર વિભાગ દ્વારા જટિલ રેસ્ક્યુ ઓપરેશન
અકસ્માત બાદ બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ જવાથી બસચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ રેમજેક મશીન અને અન્ય કટરોની મદદથી બસનો પતરાનો ભાગ કાપીને ભારે જહેમત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
હાઈવે પર ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી
અકસ્માતને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી અને કરજણ પોલીસનો કાફલો તરત જ એક્શનમાં આવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન હાઈવે પર વાહનોની લાંબી કતારો ન લાગે તે માટે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સતત બીજા દિવસે અકસ્માત
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (30મી જાન્યુઆરી) પણ કરજણની ધાવટ ચોકડી પાસે આવી જ રીતે એક બસ ટ્રક પાછળ અથડાતા 2 લોકોના મોત થયા હતા. આમ, બે દિવસમાં આ હાઈવે પર કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે વાહનચાલકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે.


