- દબાણ હટાવવાની કામગીરીમાં ટાઉન પ્લાનરની સૂચક ગેરહાજરી
- નકશા મંજૂર કરવામાં રસ દાખવતા ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ આઉટસોર્સિંગના કર્મીઓને ભરોસે કામગીરી સોંપી
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આઈકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત દબાણો દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરીમાં ટાઉન પ્લાનિંગ વિભાગની બેજવાબદારી સામે આવી છે. ટાઉન પ્લાનર સ્થળ પર હાજર ન રહેતા દબાણ વિભાગના અધિકારીએ વગદાર બિલ્ડરોના રોષનો સામનો કરવો પડયો હતો. ટેકનિકલ માર્ગદર્શનના અભાવે બિલ્ડરો અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું.
નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ સુધીના માર્ગને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ગતરોજ મનપાનું દબાણ વિભાગ પોલીસ કાફલા સાથે દબાણો હટાવવા પહોંચ્યું હતું. નિયમ મુજબ કયો હિસ્સો દબાણમાં આવે છે અને માજનની ગણતરી કેવી રીતે કરવી તેની સચોટ માહિતી ટાઉન પ્લાનિંગ વિભાગે આપવાની હોય છે. જોકે, ટાઉન પ્લાનર અશ્વિન ભોજકે પોતે સ્થળ પર હાજર રહેવાના બદલે બદલે આઉટસોસગના બિનઅનુભવી કર્મચારીઓને મોકલી આપ્યા હતા. ટાઉન પ્લાનરની ગેરહાજરીનો લાભ ઉઠાવીને આ માર્ગ પરની ઈમારતોના માલેતુજાર બિલ્ડરો દબાણ અધિકારી રાકેશ શર્મા સાથે જીભાજોડી પર ઉતરી આવ્યા હતા.
ખાસ કરીને દાંડીમાર્ગ આણંદ માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતો હોવા છતાં, ડભાણથી ઉતરસંડા સુધીના પટ્ટામાં માજન છોડયા વગર નકશા વિરુદ્ધના અસંખ્ય બાંધકામો ખડકાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં જ્યારે તંત્ર દબાણ હટાવવા જાય ત્યારે ટાઉન પ્લાનર જેવા જવાબદાર અને ટેકનિકલ અધિકારીની હાજરી અનિવાર્ય ગણાય છે. પરંતુ અશ્વિન ભોજક જાતે હાજર ન રહેતા નોન-ટેકનિકલ કર્મચારીઓ બિલ્ડરોના સવાલોના જવાબ આપી શક્યા નહોતા, પરિણામે દબાણ વિભાગના અધિકારીઓએ વગર વાંકે બિલ્ડરોનો પ્રકોપ સહન કરવો પડયો હતો. નકશા પાસ કરવામાં ઉમળકો દાખવતા ટાઉન પ્લાનર ફિલ્ડની કામગીરીમાં પીછેહઠ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે આ મામલે ઉચ્ચાધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી છે.


