અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્યો
Amreli News : અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ આ વખતે નુકસાનીની ગંભીરતાનો મુદ્દો વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયા પોતે જ તેના ભોગ બન્યા. સાંસદની 18 વીઘા જમીનમાં કાપેલી મગફળીના પાથરા વરસાદમાં સંપૂર્ણપણે પલળી ગયા હતા, જેના કારણે મગફળીના દાણાઓમાં ફૂગ લાગી ગઈ અને ઘણા દાણા ઊગી નીકળ્યા હતા. પાક સાથે કપાસના છોડને પણ નુકસાન થયું છે.
સાંસદને ખેડૂતોની વ્યથા હવે સમજાઈ
ખુદના ખેતરમાં થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યા બાદ સાંસદ સુતરીયાએ ખેડૂતોની વેદનાની ગંભીરતા સમજાઈ હતી, અને તેમની સમસ્યાને વાચા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, "ખેતીપાકને નુકસાન જાય એટલે ખેડૂતના દીકરા તરીકે વેદના થાય છે. ખેડૂતો ખુલ્લા મેદાનમાં સૂવે અને પાકને નુકસાન થાય તે દુઃખ થાય છે."
900 ગામમાં ખેતીપાકને નુકસાન, સરકારને રજૂઆત
સાંસદનો દાવો છે કે, આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે તાત્કાલિક મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. અને અમરેલી લોકસભાના 900 ગામડાંમાં ખેતીપાકને થયેલા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાંસદે સરકારને રજૂઆત કરી છે કે, "ખેડૂતને જે નુકસાન થયું છે, તેમાં જેટલી સહાય અપાય એટલી ઓછી પડશે." તેમણે માંગણી કરી હતી કે સરકારે સેટેલાઇટ દ્વારા ફોટા લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને ખેડૂતોને પૂરતી સહાય આપવી જોઈએ.
સરકાર ખેડૂતોને નુકસાનમાંથી ઉગારે
સાંસદનું કહેવું છે કે, ખેડૂતોને નુકસાનમાંથી ઉગારવા માટે સરકારે ટેકાના ભાવે મગફળીની વધુ ખરીદી કરવી જોઈએ, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ઓછું થાય. સાંસદે આશા વ્યક્ત કરી હતી કે સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે અને ભૂતકાળમાં કરેલી સહાયની જેમ આ વખતે પણ ખેડૂતોને ન્યાય મળશે.
લાઠીના ઝરખીયા ગામે ખેડૂતોના પાકને ભારે નુકસાન
અમરેલીમાં પાછોતરા વરસાદના કારણે લાઠી પંથકમાં ખેડૂતો પાયમાલ થયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં લાઠીના ઝરખીયા ગામમાં મગફળીના પાથરા પલળી જતાં પાકને ભારે નુકસાની થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોએ જણાવ્યું કે, મગફળીમાં વ્યાપક પણે ફૂગ સાથે શીંગના દાણા બગડી ગયા છે, જેથી ખાતર, બિયારણ સાથે 1 વિધે 15 હજારનો ખર્ચ વ્યર્થ ગયો છે. સરકાર વહેલી તકે સર્વે કરાવી પૂરેપૂરું વળતર આપે જગતના તાતે માંગણી કરી છે.