હિંમતનગર: '40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે', કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Farmers Protest Against HUDA : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો-ગ્રામજનો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલે 11 ગામોના ખેડૂતો આજે 30 ઑક્ટોબરે કાંકણોલમાં મહાપંચાયત યોજી હતી, જેમાં 15 હજારથી વધુ ખેડૂતોએ HUDA સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
HUDAની કામગીરીથી 40 ટકા જમીન કપાતમાં જશે: ખેડૂતો
હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જશે. ત્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા હાથમાં બેનર્સ અને પોસ્ટર લઈને આંદોલન પર ઉતર્યા છે.

ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, 'હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી.'
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
કાંકણોલ ખાતે યોજાયેલી મહાપંચાયતમાં હાજર હજારો ખેડૂતોએ ગાંધી ટોપી પહેરીને 'HUDA હટાવો જમીન બચાવો'ના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, 'HUDAનું નોટિફિકેશન રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.'

