'તાત્કાલિક સહાય આપો...', 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી

Gandhinagar News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પાક નુકસાની મામલે ગાંધીનગર પંથકના 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. માવઠું થતાં ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક સહાય આપવા માંગણી કરી છે.
10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી
મળતી માહિતી મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાની થઈ છે. જેને લઈને ગાંધીનગર પંથકના છાલા, આતમપુરા, કાનપુર, ગિયોડ, ધણપ સહિત 10થી વધુ ગામના ખેડૂતો ઢોલ-નગારા અને ટ્રેક્ટર પર બેસીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ચાર દિવસમાં પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માગ કરી હતી.

'તાત્કાલિક સહાય આપો...'
ખેડૂતોનું કહેવું છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, અડદ, કપાસ, ડાંગર સહિતનો પાક નાશ પામ્યો છે. લગભગ એક-બે હજાર વીઘા જમીનમાં મગફળી અને ડાંગરનું વાવેતર કરાયું હોવાનો અંદાજ છે. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાતાં 50 ટકા નુકસાની પહોંચી છે. તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોના પાક નુકસાનીનું વળતર ચૂકવવા આવે તેવી માગ.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ
પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા સરકારનો આદેશ
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને તેનો તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા વહીવટી તંત્રને કડક આદેશો આપ્યા છે. આ દરમિયાન ખેડૂતોનું કહેવું છે કે, 'માવઠાના કારણે સંપૂર્ણપણે પાકને નુકસાન થયું છે તો સર્વે કરાવવાની કાંઈ જરૂર નથી. સરકાર ખેડૂતોને વહેલીતકે પાક નુકસાનીનું વળતર ચૂકવે.'

