ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ

Crop Survey News: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને તેનો તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા વહીવટી તંત્રને કડક આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગોને ધ્યાને રાખી ખાસ સંવેદના દાખવીને ચીફ સેક્રેટરી, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તેમણે તમામ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી શરુ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોને સહયોગ કરવામાં વિલંબ ન થાય.
આ પણ વાંચો: પરેશ ધાનાણીએ 'ખેતી બચાવો સત્યાગ્રહ' નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી
ગાંધીનગર ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, 'આ વિગતો જેટલી ઝડપથી મળશે, તેટલી જ ઝડપથી સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે સહાયરૂપ બની શકશે.' આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓમાં નુકસાન અંગેની પ્રાથમિક વિગતો પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દાયકામાં આવો તીવ્ર કમોસમી વરસાદ નોંધાયો નથી. આ અણધારી આફતના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિકટ સમયે સરકાર ધરતીપુત્રોની સાથે છે અને સર્વેની કામગીરીમાં કોઈ ખેડૂતને અડચણ ન પડે તે સુનિશ્ચિત કરીને તેમને મદદ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

