રાહતના નામે ગુજરાત સરકારે ખેડૂતોને છેતર્યા! નિયમોમાં બાંધછોડ કરી સહાયની રકમમાં કાપ મૂક્યો

Gujarat Farmer: 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરી સરકારે ખેડૂતોના મસિહા હોવાનો ડ્રામા રચ્યો હતો. વાસ્તવિકતા છે કે, ખેડૂતોને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકારે જ નિયમોમાં બાંધછોડ કરી ખેડૂતોની સહાયમાં કાપ મૂક્યો હતો. એટલુ જ નહીં, ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યાં છે તેવો ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે. જો એસડીઆરએફના નિયમ મુજબ, પુરતી સહાય ચૂકવાઈ હોત તો પ્રત્યેક ખેડૂત 1.40 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોત.
સરકારે સહાયમાં ત્રણ હજારનો કાપ મૂક્યો
કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોંચ્યુ છે અને 16 હજાર ગામડા અસરગ્રસ્ત થયાં છે. આ સંજોગોમાં સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા ઘણાં પ્રયાસો કર્યાં છે. બીજી તરફ એવુ જાણવા મળ્યું છે કે, કૃષિ સહાય પેકેજમાં ખેડૂતોને ઓછી સહાય આપવી પડે તે માટે સરકારે જ નિયમોમાં બદલાવ કર્યા હતાં. જેમ કે, વર્ષ 2020માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારે નિયમ ઘડ્યો છે કે,કમોસમી વરસાદથી 60 ટકાથી વધુ નુકસાન હોય તો હેક્ટર દીઠ 25 હજાર રૂપિયા અને 4 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ 9ની પેટાકલમ (ઘ)માં સ્પષ્ટ લખ્યું છે કે, ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફ બન્ને લાભ મળવા પાત્ર છે. રાજ્ય સરકારે નિયમનો અમલ કરવાને બદલે ખેડૂતોની રાહત સહાયમાં કાપ મૂકી દીધો હતો. હેકટરે 25 હજાર રૂપિયાને બદલે 22 હજાર રૂપિયા ચૂકવવા નક્કી કરાયુ હતું. સરકારે સહાયમાં ત્રણ હજારનો કાપ મૂક્યો હતો. આ ઉપરાંત ખેડૂતોને ચાર હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર હતી તેના સ્થાને સરકારે માત્ર બે હેકટરની મર્યાદામાં જ સહાય આપવા સરકારે નિર્ણય લીધો હતો. આમ, હેકટરદીઠ રકમ જ નહીં, હેકટરની મર્યાદામાં ઘટાડો કરી દેવાયો હતો જેથી સરવાળે ખેડૂતોને નુકશાન પહોંચ્યુ હતું. હકીકતમાં જો એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાયનો લાભ અપાયો હોત તો કદાચ પ્રત્યેક ખેડૂતે 1.40 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકી હોત. હાલ સરકાર અસરગ્રસ્ત ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં માત્ર 44 હજાર રૂપિયા સહાય ચૂકવી રહી છે.
પોર્ટલના ધાંધિયા, સહાયના ફોર્મ ભરવા ખેડૂતોની લાઇનો લાગી
કૃષિ સહાય પકેજનો લાભ મેળવવા આજથી ફોર્મ ભરવાનું શરુ થયુ હતું, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા હોય તેવો ઘાટ સર્જાયો હતો. સવારથી જ સર્વર ઠપ થતાં ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાની ફરિયાદો ઊઠી હતી. ખેડૂતોએ રોષ ઠાલવ્યોકે, પોર્ટલના ધાંધિયામાંથી ખેડૂતોને છુટકારો આપો અને તાકીદે નુકશાનીનુ વળતર ચૂકવો. ખેડૂતોને વળતર ન મળે તે માટે ગણતરીપૂર્વક નાટકબાજી કરી રહી છે. ચોક્કસ ગાઈડલાઈન ન હોવાના કારણે ખેડૂતો પાસે વિવિધ દસ્તાવેજો માંગી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. સરકાર પાસે ખેડૂતના 7/12, બેન્કના ખાતા નંબર સહિત બધી વિગતોનો ડેટા તૈયાર છે પછી ખેડૂતોને કેમ હેરાન કરવામાં આવી રહ્યાં છે તે સવાલ ઊઠ્યો છે.
હજુ સુધી અડદ, સોયાબીન અને મગની ખરીદીના ઠેકાણાં નથી
નવમી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી શરૂ કરાશે તેવી રાજ્ય સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. મગફળીની ખરીદી તો શરૂ થઈ ગઈ છે પણ હજુ સુધી મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવી નથી. ખેડૂતો પુછી રહ્યાં છે કે, ટેકાના ભાવે ક્યારથી ખરીદી શરૂ કરાશે. કૃષિ વિભાગના અધિકારીઓ ફણ આ મામલે મૌન ધારણ કરીને બેઠાં છે જેથી ખેડૂતોની મૂંઝવણ વધી છે.

