સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Farmer News: ત્રણ અને સાત દિવસમાં સર્વે પૂરો કરવાની વાતો કરનાર ગુજરાત સરકાર કમોસમી મેઘતાંડવ શરૂ થયાના દસ દિવસ બાદ પણ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંકા સમયમાં પાક નુકસાનીનો સચોટ સર્વે શક્ય જ નથી. કારણ કે સર્વે કરવા માટે સરકાર પાસે પૂરતો સ્ટાફ જ નથી.
સરકાર દ્વારા સર્વેના નામે ટાઈમ પાસ
ગુજરાતમાં અત્યારે મોટાભાગના જિલ્લામાં ત્રણ-ચાર ગામ દીઠ એક તલાટી મંત્રી અને પાંચ-સાત ગામ દીઠ એક ગ્રામસેવક છે. જેના દ્વારા ત્રણ કે સાત દિવસમાં સર્વે થવો અશક્ય છે. જાણકારોના મતે સર્વે અંગેના સરકારના દાવા અને સ્થિતિ વિપરિત છે. ગુજરાતમાં 72.70 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે આંકડો સરકારે જ નોંધ્યો છે. બીજી તરફ સરકારના જ કૃષિ મંત્રીએ સ્વીકાર્યું છે કે, 42 લાખ હેક્ટરમાં ખેતીના પાકોને નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ છે. એટલે કે 60 ટકા નુકસાની છે. વળી વાવેતર, પાકનું ભૂતકાળનું ઉત્પાદન, હેક્ટરે ઉત્પાદકતા વગેરે આંકડા પણ સરકાર પાસે છે. જેને ઘ્યાને લઈને ઝડપથી રાહત પેકેજ આપવાના બદલે સાત દિવસથી સરકાર દ્વારા સર્વેનું નાટક કરવામાં આવી રહ્યું છે. જેના પગલે રાજ્યના 50 લાખથી વધુ ખેડૂતોમાં રોષની લાગણી હવે ધીમે ધીમે આક્રોશમાં ફેરવાઈ રહી છે.
આ પણ વાંચોઃ બજેટ માટેના સૂચનોએ જ ખોલી AMC પોલ, 69% સૂચનોમાં હજુ પણ રોડ, પાણી અને સફાઈની ફરિયાદો!
ગુજરાતમાં ખરીફ પાકોનું વાવેતર
| પાક | વાવેતર(હેક્ટર) |
| તેલીબિયા | 31.76 લાખ |
| અનાજ | 13.70 લાખ |
| કઠોળ | 4.60 લાખ |
| રોકડિયા પાક | 22.62 લાખ |









