Fatal Attack in Botad : બોટાદના તુરખા ગામે જૂની અદાવત પાંચથી વધુ શખસોએ ભોજન કરવા બેઠેલા પરિવાર પર ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચરા મચી જવા પામી હતી. આરોપીએ અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદની દાઝ રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે હુમલાની ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હુમલાની ઘટનામાં એક મહિલાનું મોત, ચારને ઈજા
મળતી માહિતી મુજબ, બોટાદના તુરખા ગામે હત 12 તારીખના રોજ સગીરાને ભગાડી જવાની ઘટના બની હતી. આ મામલે સગીરાના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની દાઝ રાખીને નાગજી સાગઠીયા, મનોજભાઈ સહિતના પાંચ આરોપીઓએ આજે(15 જાન્યુઆરી) હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલાની ઘટનામાં નાનીબેન પરમાર નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પીડિત પરિવારના અન્ય ચાર સભ્યોને ગંભીર હાલતમાં ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે બોટાદ હોસ્પિટલ લઈ જવાયો હતો.
સમગ્ર ઘટનાને પગલે બોટાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હુમલાની ઘટના મામલે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેવામાં ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


