Get The App

'તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે', ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! ખાલી થઈ જશે બૅન્ક ખાતું

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
'તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે', ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! ખાલી થઈ જશે બૅન્ક ખાતું 1 - image


E Memo Online Cheating : ઓનલાઇન ચીટિંગ કરતાં ગઠિયાઓ જૂની-નવી પદ્ધતિઓ અપનાવીને સતત સક્રિય રહે જ છે. બે વર્ષ અગાઉ અઢળક લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો છે તેવી નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિંક મોકલવામાં આવતી હતી. છેલ્લા થોડા સમયથી ફરી વખત ટ્રાફિક નિયમભંગ કર્યાની નોટિસ સાથે લિંક મોકલાય છે. આ લિંકથી ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે ઍપ્લિકેશન ખૂલે, તેમાં દર્શાવેલી બૅન્ક ખાતાંને સંલગ્ન વિગતો લખવામાં આવતાં જ બૅન્ક ખાતું હેક કરીને પૈસા સેરવી લેવામાં આવતાં હોવાથી ઘટનાઓ બની રહી છે. નિયમ તોડ્યો ન હોય તો પણ ઈ-ચલાન નોટિસ મોકલીને ઠગાઈ કરતાં સાયબર ગઠિયાઓ સામે સતર્કતા માટે URLને ધ્યાનપૂર્વક સમજવી અને ચકાસવી જરૂરી બન્યું છે.

ટ્રાફિક પોલીસ કે પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે ઍપ્લિકેશનની લિંક મોકલી બૅન્ક ખાતું હેક કરીને ઠગાઈ

ઈ-ચલાન સ્કેમ અંતર્ગત પહેલાં તો ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેઇલ કરીને તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને તમારે દંડ ભરવો પડશે તેવી જાણ કરવામાં આવે છે. પોલીસ જેવો લોગો સાથેના આ મેસેજમાં આપેલી લિંક ઉપર દંડની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવે છે. આરટીઓ કે ટ્રાફિક પોલીસની ઈ-પરિવહન વેબસાઇટ જેવી જ ઍપ્લિકેશન હોય તેવી લિંક મોકલવામાં આવે છે. આ લિંક ઉપર ક્લિક કરતાં જ ઈ-પરિવહન જેવી નકલી ઍપ્લિકેશન તમારા મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરવા જણાવાય છે. 

આ પણ વાંચો: મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ વરસાદ, 24 કલાકમાં 189 તાલુકા ભીંજાયા

નાગરિકોને સતર્ક રહેવા તાકીદ

ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક ઉપર ક્લિક કર્યા પછી તેમાં જન્મતારીખ, પાન કાર્ડ, આધાર, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, બૅન્ક એકાઉન્ટ વગેરે વિગતો માગવામાં આવે છે. ઓટીપી, સીવીવી અને એમ પીન મેળવી લઈને પણ છેતરપિંડી કરવામાં આવે છે. આ પ્રકારની લિંક આવે તો તેમાં દર્શાવેલા સરકારી વેબસાઇટના સ્પેલિંગને ધ્યાનપૂર્વક તપાસતાં જ ઠગાઈનો મેસેજ હોવાનું જણાઈ આવે છે.  પોલીસ ઉપરાંત બૅન્કો પણ નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરે છે કે, આવી લિંક ઉપર ક્લિક કરવાથી બૅન્ક એકાઉન્ટ હેક કરીને પૈસા ચોરી લેવાય તેવી શક્યતા વધી જાય છે. 

કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી

કેન્દ્ર સરકારે સત્તાવાર એડવાઇઝરી જાહેર કરી છે તેમાં જણાવાયું છે કે, ટ્રાફિક ઑથોરિટી તરફથી જ આવ્યા હોય તેવા નકલી મેસેજ કે ઈ-મેઈલ સાથે મોકલાતી લિંકથી ટ્રાફિક ઑથોરિટી જેવી જ બનાવટી વેબસાઇટ ખૂલે છે. અથવા તો સાયબર ગઠિયાઓએ બનાવેલી ટ્રાફિક ઑથોરિટી જેવી બનાવટી મોબાઇલ ઍપ્લિકેશન ખૂલે છે. આવી બનાવટી ઍપ્લિકેશન કે વેબસાઇટથી ઈ-ચલણના નામે તમારી બૅન્કની વિગતો જાણીને બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવામાં આવે છે. 

આ પણ વાંચો: રાહતના સમાચાર: સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ

સરકારી વેબસાઇટ ખોલતાં એચટીટીપીએસ લખાણ જોવા મળે છે તે સિક્યોર્ડ હોય છે અને છેતરપિંડીની સંભાવના રહેતી નથી. આથી, ઈ-ચલાન કે અન્ય કોઈપણ પ્રકારની સરકારી વેબસાઇટ કે ઍપ્લિકેશનના નામે ઠગાઈનો પ્રયાસ થાય ત્યારે https// લખાણ છે કે કેમ તેની ખરાઈ કરવી જરૂરી છે. સાયબર સુરક્ષા વિભાગના સૂત્રો કહે છે કે, આવી નકલી વેબસાઇટ કે ઍપ્લિકેશન ઉપર સતત કાર્યવાહી થતી રહે છે. પરંતુ, સમયાંતરે ગઠિયા વાહન નંબરની વિગતો મેળવી લઈને ફરી સક્રિય બને છે તે માટે પ્રજાજનોની સતર્કતા પણ જરૂરી છે.

ગુજરાત પોલીસે આપી સલાહ

બીજી તરફ, ગૂગલ સર્ચ ઉપરથી હેલ્પલાઇન નંબરની આદત ઘણાંખરાં લોકોને હોય છે. તાજેતરમાં જ ગુજરાત પોલીસે જાહેર કરેલી એડવાઇઝરીમાં ગૂગલ સર્ચ ઉપર નકલી હેલ્પલાઇન નંબર મૂકીને લોકોની છેતરપિંડી કરવામાં આવતી હોવાનું જણાવાયું છે. આ સંજોગોમાં થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપર વિશ્વાસ ન કરવા, અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરવા અને કોઈપણ ઍપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં પૂરતી ચકાસણી કરવાની સલાહ પણ ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવે છે. ઓનલાઇન સર્ચ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિ જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરવો હિતાવહ છે.

Tags :