સાવધાન! સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ, રૂ. 1.20 કરોડનું 9000 કિલોથી વધુ ડુપ્લીકેટ ઘી જપ્ત
Surat Duplicate Ghee Factory Caught: આગામી દિવાળીના તહેવાર પહેલા જ સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે. ફેક્ટરીમાં બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી બનાવવા અને વેચવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. સુરત SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે.
દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 67,00,550ની કિંમતનું 9,919 કિલોગ્રામ નકલી ઘી જપ્ત કર્યું છે. આ સાથે ઘી બનાવવા માટેના મશીનરી અને રો મટિરિયલ પણ કબજે કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 53,55,950 જેટલી થાય છે. આમ કુલ મળીને પોલીસે રૂ. 1,20,56,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ Bank Cheque New Rule: આજથી બદલાઈ ગયો ચેક જમા કરવાનો નિયમ, હવે કલાકોમાં જ થઈ જશે ક્લિયર
ક્યાં પહોચાડાતું હતું ભેળસેળયુક્ત નકલી ઘી?
પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ આર્થિક ફાયદા માટે આ ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઘી સ્લમ વિસ્તારની કિરાણાની દુકાનો પર અને આજુબાજુના જિલ્લાઓમાં બજારભાવ કરતાં સસ્તા દરે છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ ભેળસેળયુક્ત નકલી ઘી કેટલા સમયથી બનાવતા હતા અને અત્યાર સુધી કોને-કોને વેચવામાં આવતું હતું, કોણ તેના ખરીદારો હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમરોલી પોલીસ શંકાના ઘેરામાં?
ચોંકાવનારી વાત તો એ છે કે, અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આ નકલી ઘીનો કારોબાર ધમધમતો હતો છતાં તેને આ વાતની જાણ કેમ નહોતી? કે પછી ખુદ પોલીસે આંખ આડા કાન કર્યા હતા તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. જો SOG બાતમીના આધારે આવી મોટી કાર્યવાહી કરી શકતી હોય તો પછી સ્થાનિક પોલીસ કેમ ન કરી શકે?
આરોપીઓ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દિવાળીના તહેવારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ઝડપાયેલા મુખ્ય આરોપીઓ:
- જયેશકુમાર મહેસુરીયા
- અંકીતભાઇ પંચીવાલા
- સુમીતકુમાર મૈસુરીયા
- દિનેશકુમાર ગેહલોત