Get The App

Bank Cheque New Rule: આજથી બદલાઈ ગયો ચેક જમા કરવાનો નિયમ, હવે કલાકોમાં જ થઈ જશે ક્લિયર

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
Bank Cheque New Rule: આજથી બદલાઈ ગયો ચેક જમા કરવાનો નિયમ, હવે કલાકોમાં જ થઈ જશે ક્લિયર 1 - image

સવારે 10થી 4 વાગ્યા સુધીમાં ચેક જમા કરાવવો જરૂરી  : હાલ સાંજે 7 વાગ્યા સુધીમાં અને તા. 3 જાન્યુઆરીથી તો 3 કલાકમાં જ બેન્કોએ ચેક અંગે નિર્ણય લેવો પડશે  

Bank Cheque New Rule: ભારતમાં ચેકમાં અગાઉ માઈકર સીસ્ટમ અને બાદ ચેક એક દિવસમાં પાસ થાય તેવી ચેક ટ્રન્કેશન સીસ્ટમ (CTS) અમલમાં આવ્યા બાદ હવે સેઈમ ડે ક્લીયરીંગથી આગળ વધીને 'કન્ટીન્યુ અસ ક્લીયરીંગ'ની પ્રથા આજ તા. 4 ઓક્ટોબર 2025થી બેન્કોમાં શરૂ થઈ છે, જેમાં કલાકોમાં જ ચેકને પાસ કરી ધારકના ખાતામાં રકમ જમા થશે કે ચેક રિજેક્ટ કરવાપાત્ર જણાય તો રિજેક્ટ કરી દેવાશે.

રાજકોટના બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું કે ક્લીયરીંગ એક સમયે થતું તેના બદલે હવે સતત થશે અને આ માટે ખાતાધારક ચેક આપે તે સમયે તેની બેલેન્સ ચેક કરીને જ ચેક આપવો સલાહભર્યું છે. કારણ કે ચેક પાસ ઝડપથી થશે તેમ રિજેક્ટ પણ થઈ શકે છે.

નવી સિસ્ટમ મુજબ રાજ્યની દરેક બેન્કોમાં ચેક ખાતામાં  સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીમાં જમા કરાવવાનો રહેશે અને તે ચેક સ્કેન કરીને તુરંત જ ક્લીયરીંગ માટે તત્કાલ મોકલી દેવાશે. સવારે 11 વાગ્યાથી દર કલાકે ક્લીયરીંગ હાથ ધરાશે અને પેઈંગ બેંક (ચેકની રકમ ચૂકવતી બેન્ક)એ ફરજીયાતપણે ચેકને સાંજે 7 વાગ્યા સુધીમાં કન્ફર્મ કરવો પડશે અને જો બેન્ક તેમ નહીં કરે તો ચેક આપોઆપ પાસ થઈ જશે.  હાલ આ પ્રથાનો પ્રથમ તબક્કો કાલથી શરૂ થઈ રહ્યો છે અને તેની ટ્રાયલ રન પણ આજે લેવાઈ છે અને તા. 3 જાન્યુઆરી 2026થી આથી આગળ વધી બેન્કોએ 3 કલાકમાં જ ચેક અંગે નિર્ણય  લઈ લેવાનો રહેશે.  આ પ્રથાથી વ્યાપારીઓના બેન્ક વ્યવહારો ઝડપથી થવા સાથે ચેકનું સ્ટેટસ પણ ઝડપથી જાણી શકાશે.

પ્રથમ ક્લીયરીંગ હાઉસ 1833માં : ભારતમાં કાયદો ઈ.1881થી 

રાજકોટ, : બેન્કિંગ વ્યવહારમાં ચેકનો ઈતિહાસ સદીઓ જૂનો છે. સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણને હુંડી લખી હતી. જ્યારે વર્તમાન પ્રથાની શરૂઆત ઈ.સ. 1717માં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ચેક  લોન્ચ કરીને કરી પરંતુ, લંડનમાં પ્રથમ ક્લીયરીંગ હાઉસ 1833માં સ્થપાયું હતું. ભારતમાં ચેક માટે 1881માં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અમલમાં આવ્યો હતો.