જામનગર નજીક કનસુમરામાં નકલી અંગ્રેજી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ

ત્રણ આરોપી પકડાયા, બે ફરાર : 3 માસથી ફેક્ટરી ચાલતી હતી
બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ, કલર, ખાલી બોટલો, લેબલ સહિત સવા આઠ લાખનો મુદ્દામાલ કબજે
જામનગર એલ.સી.બી.ને ખાનગી બાતમીદારોથી હકિકત મળેલી કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમા આવેલ ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ મિનિ ફેકટરી ચાલે છે. બાતમીના આધારે ગોડાઉનમાં રેઇડ કરી હતી. ભાડે રખાયેલા આ ગોડાઉનમાં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મિનિ ફેક્ટરી ચલાવાતી હતી. આ ફેક્ટરી ચલાવતા અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ઉ.વ.૪૩)( રહે. સેનાનગર પાછળ, જામનગર ), મહિપાલસિંહ આશીષસિંહ રાણા (ઉ.વ.૩૪)( રહે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક, શેરી નંબર-૩,જામનગર ), અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૫)( રહે. રામેશ્વરનગર માટેલ ચોક,જામનગર)ને ઝડપી લેવાયા હતા. તેના કબ્જામાંથી સ્પીરીટ ભરેલા બેરલ, કલર, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂનો જથ્થો, બોટલમાં લગાડવાના સ્ટીકર, મોબાઇલ ફોન, કાર વિગેરે વગેરે મળી કુલ ૮.૨૩લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત (રહે. જયપુર રાજસ્થાન) અને ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર ગજેન્દ્રસિંહ જાડેજા (રહે. જામનગર )ને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથીડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરલી હોવાનુ ખુલવા પામ્યંુ છે.

