Updated: May 26th, 2023
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો.12 સાયન્સ અને ધો.10નું પરિણામ જાહેર થઈ ગયું છે. સમગ્ર રાજ્યનું ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. બીજી તરફ ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા અંગે શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે. એક કે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની જુલાઈમાં પરીક્ષા લેવાશે.
પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
ધોરણ 12 સાયન્સમાં એક કે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી લીધી છે. જુલાઈ મહિનામાં આ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ પાંચમી જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ http://Gseb.org પર અરજી કરવાની રહેશે. પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે
ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા
ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-10 અને 12ના માત્ર 60 વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા 1130 ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા છે. જોકે ગેરરીતિમાં પકડાયેલા કુલ 1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.