કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ 'ફાગવેલ'
Cabinet Meeting in Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં મહત્ત્વના ફેરફારો કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક જે અગાઉ કાપડીવાવ (ચીખલોડ) હતું, તેના બદલે હવે 'ફાગવેલ' રાખવા માટે પણ મંજૂરી આપી દીધી છે.
આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. 24 સપ્ટેમ્બર 2025ના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ
આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટર અને સરકારને મળેલી વિવિધ રજૂઆતો, નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાના ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે.
વધુમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ)ના બદલે 'ફાગવેલ' રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કલેક્ટર સુરત, મહીસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલના કેટલાક ગામોને જોડી 11મા તાલુકા તરીકે ફાગવેલની જાહેર બાદ વિવાદ સર્જાયો છે. સરકારે ફાગવેલને તાલુકો જાહેર કરી કાપડીવાવ-ચિખડોલને મુખ્ય મથક જાહેર કરતાં વિરોધ વચ્ચે ફાગવેલને જ વડું મથક રાખવાની માંગણી થઈ હતી. ત્યારે સરકારના નિર્ણયને વીર ભાથીજી ધામનું અપમાન ગણાવી ફાગવેલના વીર ભાથીજી મંદિર ટ્રસ્ટ સહિત અન્ય લોકોએ વિરોધ કરી ફાગવેલને જ વડુંમથક રાખવા માંગણી કરી હતી.