ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે '4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા'નો નવો કાયદો, 'કારખાના ધારા 2025' બિલ ગૃહમાં પસાર
Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં આજે (10 સપ્ટેમ્બર) શ્રમિકોના કામના કલાકો અને ઓવરટાઇમને લગતા મહત્ત્વના 'કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક'ને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્યોએ આ બિલનો સખત વિરોધ કર્યો હતો, તેમ છતાં સરકારે તેને પસાર કરાવી લીધું છે.
સરકારનો હેતુ અને દલીલો
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ બિલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સુધારો રાજ્યમાં નવા ઉદ્યોગોને આકર્ષવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને વધુ રોજગારી ઊભી કરવા માટે જરૂરી છે. તેમણે ખાતરી આપી કે આ બિલથી કારખાનાઓને રાહત આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતોનું પણ સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે.
વિપક્ષનો ઉગ્ર વિરોધ
આ બિલનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો.
જિજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ): વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ બિલને 'માનવતા વિરુદ્ધ' અને 'બંધારણ વિરુદ્ધ' ગણાવ્યું. તેમણે કહ્યું કે 12 કલાકનું કામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને ગૌરવ માટે અત્યંત ઘાતક છે. તેમણે દલીલ કરી કે બિલમાં 'શ્રમિકની સંમતિ'ની કલમ માત્ર ઔપચારિકતા છે, કારણ કે નોકરી ગુમાવવાના ડરથી શ્રમિકો પાસે ના પાડવાની કોઈ તાકાત હોતી નથી. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, શ્રમિકોની નબળાઈનો લાભ ઉઠાવવો ગેરબંધારણીય છે અને દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.
ઉમેશ મકવાણા (AAP): બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બિલના વિરોધમાં બિલની કોપી ગૃહમાં ફાડી નાખી હતી. તેમણે શ્રમિકોને મળતા ન્યાય અને રોજગારીની તકોમાં જોવા મળતી અસમાનતા પર ગૃહનું ધ્યાન દોર્યું.
ગોપાલ ઈટાલિયા (AAP): ગોપાલ ઈટાલિયાએ સીધો પ્રહાર શ્રમ વિભાગના અધિકારીઓ પર કર્યો. તેમણે કહ્યું કે જે અધિકારીઓ પોતે વિધાનસભામાં બે કલાક બેસી શકતા નથી, તે મજૂરો માટે 12 કલાકના કામની હિમાયત કઈ રીતે કરી શકે? તેમણે જણાવ્યું કે પોલીસ કોન્સ્ટેબલ તરીકેના પોતાના અનુભવ પરથી તેઓ જાણે છે કે પોલીસનું પણ શોષણ થાય છે. તેમણે માગ કરી કે સરકાર પહેલા પોલીસને 12-14 કલાકના કામનો ઓવરટાઇમ ચૂકવે, પછી મજૂરો માટે આવા કાયદા બનાવે. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે શ્રમ વિભાગમાં 50% સ્ટાફ ખાલી હોય, ત્યારે રાજ્યના મજૂરો અને ફેક્ટરીઓનું નિરીક્ષણ કોણ કરશે?
બિલની મુખ્ય જોગવાઈઓ:
આ વિધેયકમાં કારખાના ધારા-1948ની 6 કલમોમાં સુધારો સૂચવવામાં આવ્યો છે.
કામના કલાકો: નવી જોગવાઈ મુજબ, શ્રમિકો રોજના 12 કલાક સુધી કામ કરી શકશે, પરંતુ સપ્તાહના કુલ 48 કલાકથી વધુ નહીં.
વિરામ: દર 6 કલાકે ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ ફરજિયાત રહેશે.
સપ્તાહિક રજા: જે શ્રમિક 12 કલાકના કામ પ્રમાણે ચાર દિવસ કામ કરશે, તેને પાંચમા અને છઠ્ઠા દિવસે પગાર સાથેની સવેતન રજા મળશે.
ઓવરટાઈમ: હવે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મહત્તમ 125 કલાક સુધીનો ઓવરટાઇમ કરવાની મંજૂરી મળશે.
મહિલા શ્રમિકો: આ સુધારાથી મહિલાઓ તેમની સંમતિથી રાત્રિ પાળીમાં કાયદેસર રીતે કામ કરી શકશે. જોકે, રાત્રિના 10થી સવારના 5 વાગ્યાના સમયગાળામાં તેમને કામે રાખી શકાશે નહીં. મંત્રીએ કહ્યું કે, આ નિર્ણય મહિલાઓને સમાનતા અને આર્થિક ઉપાર્જનનો અધિકાર આપશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ કાયદો સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી જેટલા સમય માટે જ અમલમાં રહેશે અને સરકાર તેને પાછો પણ લઈ શકે છે. આમ, ઉગ્ર વિરોધ છતાં આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર થઈ ગયું છે.