ગુજરાતમાં હવે ઘરે બેઠા મળશે લર્નિંગ લાઇસન્સ, 7મી જુલાઈથી ફેસલેસ સુવિધાની થશે શરુઆત
Faceless Learning License: રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં નવી શરુઆત થવા જઈ રહી છે. જેમાં આરટીઓ અને પોલિટેકનિક સાથે ઘરે બેઠા ફેસલેસ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાશે.
ફેસલેસ લર્નિંગ લાઇસન્સ મળશે
ગુજરાત સરકારના વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદે માહિતી આપી હતી કે, 12થી 13 રાજ્યોમાં સફળતાપૂર્વક અમલમાં આવેલા ફેસલેસ લર્નિંગ લાઇસન્સ પ્રણાલી હવે ગુજરાતમાં 7મી જુલાઈથી શરુ કરવામાં આવશે. હવે લર્નિંગ લાઇસન્સ માટે ઉમેદવારોને આરટીઓ, પૉલિટેકનિક કે આઇ.ટી.આઇમાં ફિઝિકલ હાજર રહેવાની જરૂર નહીં રહે. આમ લોકો ઓનલાઇન ફેસલેસ મોડમાં લાઇસન્સ માટે અરજી કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થશે.
વાહન વિભાગ આગામી દિવસોમાં ફેસલેસ લાઇસન્સ માટેની માર્ગદર્શિકા વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરશે. વાહન વિભાગ વધુ એક અગત્યનો વિકલ્પ ઊભો કરી રહ્યું છે. જેમાં વીડિયો એનાલિટિક્સ આધારિત આધુનિક ઢબે ડ્રાઇવિંગ લાઇસન્સની સુવિધા મળશે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરુઆત થશે. અહીં ઓટોમેટિક ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રણાલી અમલમાં આવશે, જે બાદમાં સમગ્ર રાજ્યમાં આવનાર છ મહિનામાં આ ટૅક્નોલૉજી ધીમેધીમે અમલમાં આવશે. આ અભિગમ રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત કામગીરીમાં નવી પારદર્શિતા, ઝડપ અને ટેકનિકલ સક્ષમતા લાવશે. ઓનલાઇન સિસ્ટમ દ્વારા અરજીઓની પ્રક્રિયા વધુ આધુનિક અને લોકલક્ષી બનશે.