Get The App

દેશમાં 13 કરોડ લોકો આંખની બીમારીથી પીડાય છે, જાણો તેનું કારણ અને નિવારણ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં 13 કરોડ લોકો આંખની બીમારીથી પીડાય છે, જાણો તેનું કારણ અને નિવારણ 1 - image


Blind People's Association, Ahmedabad : દેશમાં ધીરે ધીરે આંખની વિવિધ બીમારી કે સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે તેની પાછળના કારણો અને તેનું નિવારણ શું? તે અંગે એક ગંભીર ચર્ચા અમદાવાદ ખાતે યોજાયેલી એક કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. શહેરના વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળ ખાતે તાજેતરમાં 19મી વાર્ષિક 'વિઝન-2020: દ્રષ્ટિનો અધિકાર' નેશનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ગત 11 થી 13 જુલાઈ, 2025 દરમિયાન યોજાયેલી આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સમાં દેશભરમાંથી 700 જેટલાં નેત્ર ચિકિત્સકો, નેત્ર ટેકનિશિયન અને આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સંગઠનો જોડાયા હતા. 

ભારતમાં આંખની સમસ્યાઓની વ્યાપકતા: એક ચિંતાજનક આંકડો

આંખના નિષ્ણાત ડૉ. સચી દેસાઈએ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ 13 કરોડથી વધુ લોકો આંખની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ આ આંકડો ભારતને ત્રીજા સ્થાને મૂકે છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે. આ મુખ્ય સમસ્યાઓમાં મોતીયો, ચશ્માના નંબર, ડાયાબિટીસના કારણે આંખના પડદા પર થતા રોગો (ડાયાબિટીક રેટિનોપેથી) અને ગ્લુકોમા એટલે કે જામરનો સમાવેશ થાય છે. આ રોગો જો સમયસર નિદાન અને સારવાર ન મેળવે તો કાયમી દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બની શકે છે.


બાળકોમાં વધતા આંખના નંબર, એક આધુનિક પડકાર: નિષ્ણાતો 

ડૉ. સચી દેસાઈએ બાળકોમાં ચશ્માના પ્રમાણમાં થઈ રહેલા વધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, બાળકોમાં આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ મોબાઈલ, લેપટોપ કે અન્ય ડિજિટલ ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ અને આઉટડોર એક્ટિવિટીના પ્રમાણમાં ઘટાડો છે. સતત સ્ક્રીન સામે રહેવાથી આંખો પર તાણ આવે છે, જે લાંબા ગાળે આંખોના નંબર વધવાનું કારણ બને છે. આ સમસ્યાના નિવારણ માટે, બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો અને તેમને સ્પોર્ટ્સ કે અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં જોડવા એ અત્યંત આવશ્યક છે. આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે બાળપણમાં થયેલી દ્રષ્ટિની ખામી તેમના શૈક્ષણિક પ્રદર્શન અને ભવિષ્યની ગુણવત્તા પર નકારાત્મક અસર કરી શકે છે.

દેશમાં 13 કરોડ લોકો આંખની બીમારીથી પીડાય છે, જાણો તેનું કારણ અને નિવારણ 2 - image

આંખની સંભાળ માટે શું કરવું?

જામર અને આંખના પડદા પર થતા રોગોના કારણે લોકોમાં દ્રષ્ટિ ગુમાવવાની પણ સ્થિતિ ઊભી થાય છે, જે જીવનની ગુણવત્તા પર મોટો પ્રભાવ પાડે છે. આંખની સમસ્યાઓને નિવારવા અને દ્રષ્ટિને સુરક્ષિત રાખવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે:

- સમયસર આંખોનું ચેક-અપ કરાવવું: ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ધરાવતા લોકોએ નિયમિતપણે આંખોની તપાસ કરાવવી.

- યોગ્ય આહાર લેવો: વિટામિન A, C, E અને ઝીંકથી ભરપૂર ખોરાક જેમ કે ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને બદામનો આહારમાં સમાવેશ કરવો.

- પૂરતી ઊંઘ લેવી: આંખોને આરામ આપવા માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ અનિવાર્ય છે.

- યોગ-કસરત કરવી: નિયમિત યોગ અને આંખોની કસરતો કરવાથી આંખોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

- સ્ક્રીન ટાઈમ ઘટાડવો: ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે "20-20-20" નિયમનું પાલન કરવું (દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવું).

આંખની સમસ્યાઓને ગંભીરતાથી લેવી એટલા માટે પણ જરૂરી છે કારણ કે, દ્રષ્ટિ એ આપણા જીવનનો અભિન્ન અંગ છે. દ્રષ્ટિ ગુમાવવાથી વ્યક્તિની સ્વતંત્રતા, રોજગાર અને સામાજિક જીવન પર ગંભીર અસર થાય છે.


જાગૃતિ અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે કોન્ફરન્સનું મહત્ત્વ

વિઝન 2020 ઇન્ડિયાના પ્રમુખ ડૉ. રાજેશ સૈનીએ જણાવ્યું હતું કે, આંખની સંભાળને લઈને દરેક લોકોમાં જાગૃતતા આવે અને તેની કાળજી રાખવી ખુબ આવશ્યક છે. આ કોન્ફરન્સમાં ઘણાં વર્ષોથી આંખોની સારવાર ક્ષેત્રમાં સંકળાયેલા નિષ્ણાતો એકઠા થયા હતા. કોન્ફરન્સમાં તમામ નેત્ર ચિકિત્સકો અને ટેકનિશિયનોએ જ્ઞાન-આદાન-પ્રદાન સત્રો, નીતિ સંવાદો અને આંખના સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુથી ચર્ચા વિચારણા કરી હતી, જે ભવિષ્યમાં ભારતમાં આંખની સંભાળની સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવામાં મદદરૂપ થશે.

દેશમાં 13 કરોડ લોકો આંખની બીમારીથી પીડાય છે, જાણો તેનું કારણ અને નિવારણ 3 - image

'દ્રષ્ટિ બચાવો' રેલી દ્વારા જાગૃતિનો સંદેશ

કોન્ફરન્સના ભાગરૂપે, 12 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે આંખના સ્વાસ્થ્ય અને કોઈપણ આંખની બીમારીના કિસ્સામાં સમયસર સારવાર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે વસ્ત્રાપુર ખાતેના BPAના પરિસરથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સુધી ભવ્ય 'દ્રષ્ટિ બચાવો' રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેણે આ અભિયાનને વધુ વેગ આપ્યો હતો.

આ પણ વાંચો: Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો?

આ વર્ષની કોન્ફરન્સની થીમ 'બ્રેકિંગ બેરિયર્સ: આંખની સંભાળમાં વધારો અને સુલભતા - વિકસિત ભારત 2047' હતી. જે ભારતમાં વધતી જતી આંખની સમસ્યાઓ સામે લડવાના વિઝનને સાકાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

Tags :