મહિધરપુરા હીરાબજારનો સમય વેપાર કામકાજ માટે વધું બે કલાક વધારવા માંગ
સુરત
તા.25 જુલાઈ 2020
શનિવાર
મહિધરપુરા હીરા બજારનો સમય વધારવામાં આવે એવી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સની ડાયમંડ કમિટીએ પ્રશાસન સમક્ષ મૂકી છે. હીરા બજારનો સમય અત્યારે બપોરે 2 વાગ્યાથી સંજના 6 વાગ્યા સુધીનો છે. ચાર કલાકના સમયમાં કામકાજ યોગ્ય રીતે થઈ શકતા નહીં હોવાથી અને પેમેન્ટોની રિકવરીમાં મુશ્કેલી પડતી હોવાથી હીરાબજાર બપોરે 12 વાગ્યાથી શરૃ થવું જોઈએ.
સુરત વિશ્વના 80 ટકા જેટલા પોલિશ્ડ ડાયમંડનું પ્રોસેસ કરે છે. હાલમાં વરાછા અને મહિધરપુરા ડાયમંડ માર્કેટ કાર્યરત છે. આ બે ડાયમંડ માર્કેટ મળી વર્ષે અંદાજે રુ. 50થી 60 હજાર કરોડનો વ્યવસાય થાય છે અને એમાંનો ઘણોખરી નિકાસ થાય છે. સુરત વિશ્વ હીરા વ્યાપાર માટે એક અગત્યનું કેન્દ્ર હોઈ, કામકાજના સમયમાં ઘટાડો થવાથી દેશને ઘણું આથક નુકસાન ભોગવવું પડી શકે છે.
ચેમ્બરની ડાયમંડ કમિટીએ આ બાબતે મહિધરપુરા માર્કેટના વ્યાપારીઓ સાથે ચર્ચા કરી ત્યારે ઘણાં વેપારીઓએ કામકાજનો સમય ઘણો ઓછો પડે છે, એવી રજુઆત કરી હતી. બપોરે 2 વાગે માર્કેટ ચાલુ કરવાથી પેમેન્ટ રિકવરી કરવામાં અને સામાન્ય ધંધા રોજગાર ચલાવવા અને આથક વ્યવહાર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું, એમ કમિટીના કીત શાહે જણાવ્યું છે.