રિક્ષા ચાલક અને મહિલા ઘરે આવી રૃા. ૨.૮૦ લાખ દાગીના ચોરેલા
વાડજથી શટલ રિક્ષામાં બેસીને રાયપુર ઘરે જતા રસ્તામાં જ્યુંસ પાવડાવેલું
કાગડાપીઠ પોલીસે બે મહિલા સહિત આરોપીઓને પકડી વૃદ્ધાને જાણ કરી

અમદાવાદ,મંગળવાર
રાયપુરમાં રહેતી વૃદ્ધાને રિક્ષા ચાલક અને બે મહિલાએ રસ્તામાં ચીકુના જ્યુસમાં કેફી પીણું પીવડાવતા તેઓ ઘરે જઇને બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ મહિલાઓ વૃદ્ધાના ઘરમાં જઇને સોના-ચાદી દાગીના સહિત કુલ રૃા. ૨.૮૦ લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. બીજીતરફ કાગડાપીઠ પોલીસે આરોપીઓને પકડીને વૃદ્ધાને જાણ કરી હતી. પાંચ મહિના પહેલા બનેલી ઘટના અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશને ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાગડાપીઠ પોલીસે બે મહિલા સહિત આરોપીઓને પકડી વૃદ્ધાને જાણ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાયપુર દરવાજા પાસે ખસીપુરમાં રહેતા વૃદ્ધાને કાગડાપીઠ પોલીસ તરફથી જાણ થઇ હતી કે બે મહિલા અને એક રિક્ષા ચાલક ઝડપાયા છ અને તમારા ઘરમાંથી ચોરી કરેલ છે. વૃદ્ધાએ પોલીસ સ્ટેશન જઇને પોલીસને કહ્યું કે તા.૧૭ નવેમ્બર ૨૦૨૪માં તેઓ ચાંદખેડા સગાના ઘરે પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત તેઓ સાંજના સમયે ચાંદખેડા એએમટીએસમાં બેસીને રાયપુર જતા હતા. ત્યારે વાડજ બસમાંથી ઉતરીને એક રિક્ષામાં રાયપુર ઘરે જવા બેઠા હતા જેમાં બે મહિલા પણ પેસેન્જર તરીકે બેઠી હતી. રિક્ષા ચાલકે વૃદ્ધાને ક્યાં રહો છો તેવી તમામ વિગતો પૂછતાં પોતે એકલા રહેતા હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ રિક્ષા ચાલકે નહેરૃબ્રિજ પાસે રિક્ષા ઉભી રાખીને મહિલાએ વૃદ્ધાને જ્યુસની દુકાને લઇ જઇને ચીકુનું જ્યુસ પીવડાવ્યો હતો.
વૃદ્ધાને રાયપુર પાસે ઉતારતા તેઓ ઘરે ગયા હતા માથુ ભારે લાગતા તેમને દરવાજો બંધ કર્યો ન હતો. જ્યારે તે બેભાન થઇને ઘરમાં સૂઇ ગયા હતા. આ સમયે વૃદ્ધાના ઘરે જઇને ઘરમાંથી સોના-ચાદીના દાગીના સહિત કુલ રૃા. ૨.૮૦ લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

