FOLLOW US

નવરાત્રિ નજીકમાં છતાં રોડ ઉપર ખાડા રાજ, અમદાવાદમાં રોડની કામગીરી માટે રોજ ૩૦૦ ટન મટીરીયલનો વપરાશ છતાં સ્થિતિ ઠેરની ઠેર

વડાપ્રધાન આવવાના હોવાથી મેટ્રો સત્તાવાળાઓએ હાથ અધ્ધર કરતા મ્યુનિ.તંત્રે રાતોરાત રોડ બનાવવા શરુ કર્યા

Updated: Sep 22nd, 2022


અમદાવાદ,ગુરુવાર,22 સપ્ટેમ્બર,2022

સોમવારથી નવરાત્રિ પર્વ શરુ થઈ રહયુ છે.આમ છતાં શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ ઉપર ખાડા રાજ જોવા મળી રહયુ છે.અમદાવાદમાં રોડ બનાવવાની અને પેચવર્ક કરવાની કામગીરી પાછળ રોજ ૩૦૦ મેટ્રીકટન મટીરીયલનો વપરાશ થતો હોવાના સત્તાધીશોના દાવાની વચ્ચે વડાપ્રધાન આવવાના હોવાથી મેટ્રો સત્તાવાળાઓએ રોડ બનાવવાનો ઈન્કાર કરતા મ્યુનિસિપલ તંત્રે રાતોરાત રોડ બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેશ બારોટે એવો દાવો કર્યો હતો કે, શહેરના તમામ વિસ્તારમા નવા રોડ બનાવવા ઉપરાંત વિવિધ વોર્ડ વિસ્તારના રસ્તાઓ ઉપર વરસાદને કારણે પડેલા ખાડાઓ હોટમીકસ અને કોલ્ડમીકસ મટીરીયલની મદદથી પુરવાની કામગીરી શરુ કરી દેવામા આવી છે.હાલમાં રોજ ૩૦૦ મેટ્રીકટન મટીરીયલનો વપરાશ રોડની કામગીરી પાછળ કરાતો હોવાનુ પણ તેમનુ કહેવુ છે. બીજી તરફ શહેરના જે વિસ્તારમા મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે.એવા વિસ્તારમાં રોડ મેટ્રો તરફથી રીપેર કરવામા આવશે એવુ અગાઉની અનેક મિટીંગમાં મ્યુનિ.તંત્ર અને મેટ્રોના અધિકારીઓ વચ્ચે નકકી થયુ હોવાછતાં થલતેજથી ગુરુકુળ સુધીનો રોડ રીપેર કરવા બાબતમા મેટ્રો સત્તાવાળાઓએ ઈન્કાર કરી દેતા મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ રાતોરાત રીસરફેસ કરી નાંખ્યો છે.

અગાઉ પણ મેટ્રો રેલ સાથે સંકળાયેલા રસ્તા મેટ્રો તરફથી રીસરફેસ કરવામા ના આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનને રસ્તા રીસરફેસ કરવા પડયા હતા.મ્યુનિ.તંત્ર તરફથી મેટ્રો રેલને જે કામગીરી કરવાની છે એ કરવા પાછળ થતા ખર્ચની રકમ મેટ્રો તરફથી અપાશે કે કેમ? એ સંદર્ભમા ચેરમેને એટલુ જ કહયુ હતુ કે, મ્યુનિ.તરફથી આ સંદર્ભમા બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપવામા આવી છે.તેઓ મેટ્રોના અધિકારીઓ સાથે આ બાબતમાં વાતચીત કરશે.દરમિયાન કમિટીમા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને મોબાઈલ એપની મદદથી ફરજીયાત હાજરી પુરવા અંગે મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો હોવાછતાં ૨૨ હજારથી વધુ કર્મચારી ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રમા હજુ સુધી માત્ર બે હજાર કર્મચારીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાના મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.

Gujarat
English
Magazines