ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રોષ

Gandhinagar News: ગાંધીનગર શહેરના સેક્ટર-3 વિસ્તારમાં આવેલા ઘ-દોઢ વિસ્તાર પાસે વન વિભાગ દ્વારા દસકો જૂના આંબાના વૃક્ષને કાપી નાખવામાં આવતા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વન વિભાગે આટલા મૂલ્યવાન વૃક્ષને કાપવા માટે માત્ર 1676 રૂપિયાનું નજીવું ચલણ લઈને મંજૂરી આપી દીધી હતી.
આંબો નડતો ના હોવા છતાં કાપી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ
શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય શર્મા સહિતના સભ્યોએ આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને વન વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, 'હું જ્યારે હીર કોમ્પ્લેક્સ પાસે થેરાપી માટે આવ્યો હતા, આ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તેની ટીમ દ્વારા વર્ષો જૂના ઘટાદાર આંબાનું ઝાડ કાપવામાં આવી રહ્યું હતું.'

પ્રકૃતિ પ્રેમીઓએ આક્ષેપ કર્યો કે, વન વિભાગે માત્ર 1676 રૂપિયાનું ચલણ લઈને આ વિશાળ અને મૂલ્યવાન વૃક્ષ કાપવાની મંજૂરી આપી દીધી, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ આંબો નડતો ના હોવા છતાં, ઉપરના કોઈ દબાણને કારણે ફોરેસ્ટ વિભાગે આ કામગીરી કરી છે.
આડેધડ મંજૂરી સામે સવાલો
લોકોએ સવાલ ઉઠાવ્યો કે વૃક્ષ કાપતાં પહેલા વન વિભાગ દ્વારા સ્થળની મુલાકાત અને ઝાડની સ્થિતિનું યોગ્ય વેરિફિકેશન થવું જોઈએ. પરંતુ આડેધડ મંજૂરી આપી દેવાને કારણે ગાંધીનગર, જે પોતાની હરિયાળી માટે જાણીતું છે, ત્યાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. પ્રકૃતિ પ્રેમીઓએ માંગ કરી છે કે, વન વિભાગ આ પ્રકારે મૂલ્યવાન વૃક્ષોને કાપવાની મંજૂરી આપવા માટેના નિયમોની સમીક્ષા કરે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરે.

