સુરત: 'રન ફોર યુનિટી'માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!

Surat News: દેશભરમાં આજે (31મી ઓક્ટોબર) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસે 'રન ફોર યુનિટી'નું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને મજબૂત કર્યો હતો. જોકે, આ ભવ્ય આયોજનના સમાપન બાદ જે દૃશ્યો સર્જાયા, તેણે સુરતની 'સ્વચ્છ શહેર'ની ઓળખ સામે સવાલ ઊભો કર્યો હતો.
'રન ફોર યુનિટી'ની દોડ બાદ ગંદકીના ગંજ
સુરત શહેરમાં 'રન ફોર યુનિટી'ની દોડ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી, દોડના રૂટ પર ઠેર-ઠેર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનો રસ્તા પર ઉડતી જોવા મળી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ નાસ્તાના પેકેટ અને પાણીની બોટલો રસ્તા પર જ ફેંકી દેતાં, થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો.
પોલીસ અધિકારીઓએ જાતે સફાઈ શરૂ કરી
નાગરિકોની આ બેદરકારી જોઈને સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ કોઈની રાહ જોયા વગર જાતે કચરો ઉઠાવી સફાઈ અભિયાન શરૂ કર્યું. સૌથી પ્રેરણાદાયી દૃશ્ય ત્યારે સર્જાયું જ્યારે અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમનાં પત્નીઓ પણ પોતાને રોકી ન શકી અને તેઓ પણ સ્વયંભૂ રીતે કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા. એકસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું, જે નાગરિકો માટે એક અદ્ભુત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય
કાયદો અને વ્યવસ્થાથી આગળ વધીને જવાબદારી
સુરત પોલીસના અધિકારીઓએ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની નહીં, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકેનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ અધિકારીઓના આ કાર્યે સાબિત કરી બતાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારી વિભાગ કે કર્મચારીઓનું કાર્ય નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ ઘટનાએ સુરતના નાગરિકોને પોતાની જવાબદારી સમજવા માટેનો સંદેશ આપ્યો છે.

