સાયન્સમાં ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

વડોદરાઃ અંગ્રેજી માધ્યમના વધતા જતા ક્રેઝના કારણે વડોદરામાં ધો.૧૧-૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધી ગઈ છે.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને તેના આંકડા પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાંથી અંગ્રેજી માધ્યમના ૩૬૦૭ અને ગુજરાતી માધ્યમના ૨૭૩૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આ આંકડો ગુજરાત બોર્ડનો છે.જ્યારે સેન્ટ્રલ બોર્ડની તો ૧૦૦ ટકા સ્કૂલો અંગ્રેજી માધ્યમની છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારોના કહેવા પ્રમાણે શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી માધ્યમની જ બોલબાલા વધી છે અને મોટાભાગે શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું પસંદ કરતા હોય છે.ધો.૧૨ કોમર્સમાં અને ધો.૧૦માં હજી પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.કારણકે ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગની સ્કૂલો ગુજરાતી માધ્યમની છે. શહેરોમાં ગુજરાતી માધ્યમની વિજ્ઞાાન પ્રવાહની સ્કૂલોની હાલત કફોડી બની રહી છે.કેટલીક સ્કૂલો એવી હતી જ્યાં એક દાયકા પહેલા વિજ્ઞાાન પ્રવાહના ૬-૬ વર્ગ ચાલતા હતા અને હવે માંડ એક વર્ગ રહ્યો છે.ઉપરાંત મેડિકલ અને એન્જિનિયરિંગમાં પણ મોટાભાગનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં થતો હોવાથી સાયન્સમાં ભણવા માગતા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમ વધારે અનુકુળ આવી રહ્યું છે.
માતૃભાષામાં શિક્ષણ મેળવવું વધારે સારુ છે પણ વાલીઓ સમજવા તૈયાર નથી
ધો.૧૧ અને ૧૨માં વિજ્ઞાાન પ્રવાહમાં ભણાવતા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના આગેવાન અને શિક્ષક ધર્મેન્દ્ર જોષીનું કહેવું છે કે, શહેરી વિસ્તારોમાં તો ધો.૧૧-૧૨ કોમર્સમાં પણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જેટલી જ થઈ ગઈ છે.જોકે તેના કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.હકીકત તો એ છે કે, માતૃભાષામાં વિદ્યાર્થી વધારે સારી રીતે જાણકારી ગ્રહણ કરી શકે છે પરંતુ અંગ્રેજી માધ્યમના ક્રેઝ વચ્ચે વાલીઓ આ વાત સમજવા તૈયાર નથી.
પાંચેક વર્ષમાં ૭૫ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના હશે
અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય કિરિટભાઈ ડાભી કહે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં તો હજી પણ ગુજરાતી સ્કૂલોનું ચલણ વધારે છે પરંતુ શહેરી વિસ્તારમાં સ્થિતિ છેલ્લા ૧૦ વર્ષમાં ઝડપથી બદલાઈ છે.અંગ્રેજી માધ્યમ તરફ વાલીઓનો આ જ રીતે ઝુકાવ રહ્યો તો આગામી પાંચેક વર્ષમાં સાયન્સમાં માત્ર ૨૫ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને ૭૫ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હશે.

