ગુજરાતમાં બેફામ વીજચોરી: બે વર્ષમાં રૂ. 1029 કરોડની ચોરી, 1.5 લાખ ગ્રાહકો સામે ગુના દાખલ
AI Image |
Electricity Theft: ગુજરાતમાં વીજચોરીનું દૂષણ હજુ પણ યથાવત્ છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વીજચોરી અટકાવવા માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે, જેના પરિણામો ચોંકાવનારા છે. રાજ્યમાં વીજચોરી કરતા ગ્રાહકો સામે કાર્યવાહી કરવા માટે GUVNLના 16 પોલીસ સ્ટેશનો કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં આ પોલીસ સ્ટેશનોમાં 1,029 કરોડની વીજચોરીના કેસ નોંધાયા છે, જે એક રેકોર્ડબ્રેક આંકડો છે.
બે વર્ષમાં દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ
વડોદરાથી મળતી માહિતી મુજબ, વીજ ચોરી કરતા શખસો સામે GUVNLના 16 પોલીસ સ્ટેશનોમાં ઇન્ડિયન ઇલેક્ટ્રીસિટી એક્ટ, 2003 હેઠળ ગુના દાખલ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈ હોવા છતાં, લોકોમાં તેનો ભય જોવા મળતો નથી. છેલ્લા બે વર્ષમાં (2023-24 અને 2024-25) GUVNLની ચાર પેટા કંપનીઓ - DGVCL, MGVCL, UGVCL અને PGVCL દ્વારા કુલ 38.59 લાખ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 2.82 લાખ ગ્રાહકો વીજચોરી કરતા પકડાયા હતા. આ ગ્રાહકોને દંડ સાથે વીજ ચોરીની રકમ ભરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી 1.52 લાખ ગ્રાહકોએ રૂ. 1,029 કરોડની રકમ ન ભરતા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સૌથી વધુ વીજચોરી સૌરાષ્ટ્ર (PGVCL)માં
આ આંકડાઓ દર્શાવે છે કે વીજચોરીના સૌથી વધુ બનાવો PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) વિસ્તારમાં નોંધાયા છે, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24માં PGVCL માં 82,126 વીજચોરીના કિસ્સાઓ પકડાયા હતા, જ્યારે 2024-25માં આ આંકડો 63,198 હતો. બે વર્ષમાં PGVCL વિસ્તારમાં કુલ 54,900થી વધુ ગુના દાખલ થયા છે, જે અન્ય તમામ કંપનીઓ કરતા ઘણા વધારે છે.
વીજચોરી અને કર્મચારીઓ પર હુમલો
- કુલ ગુના દાખલ: બે વર્ષમાં વીજ ચોરી ન કરનારા 1,52,602 ગ્રાહકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા. તેમાંથી સૌથી વધુ ગુના પીજીવીસીએલ (54,900થી વધુ) માં નોંધાયા છે.
- કર્મચારીઓ પર હુમલા: બે વર્ષમાં વીજ ચેકિંગ ટીમ પર હુમલાના 61 બનાવો બન્યા. તેમાંથી સૌથી વધુ (52 બનાવો) પીજીવીસીએલ વિસ્તારમાં બન્યા છે.
વીજ કર્મચારીઓ પર હુમલા: 61 બનાવો
વીજચોરી કરતા ગ્રાહકો એટલા બેફામ બન્યા છે કે તેઓ વીજ ચેકિંગ માટે આવતી ટીમો પર હુમલો કરતા પણ ખચકાતા નથી. છેલ્લા બે વર્ષમાં આવા 61 બનાવો બન્યા છે, જેમાં વીજ કર્મચારીઓ અને પોલીસ કાફલા પર પથ્થરમારો અને હુમલા કરવામાં આવ્યા હતા. આ બનાવોમાં પણ સૌથી વધુ બનાવો PGVCLના વિસ્તારમાં બન્યા છે, જે દર્શાવે છે કે આ પ્રદેશમાં વીજચોરીનું દૂષણ કેટલું ગંભીર છે અને ત્યાં વીજ કંપની માટે કામ કરવું કેટલું જોખમી છે.
વીજ કંપની પર થયેલા હુમલાના બનાવો
આ આંકડાઓ વીજચોરીના ગંભીર પડકારને ઉજાગર કરે છે અને દર્શાવે છે કે કડક કાયદાઓ હોવા છતાં, આ દૂષણ સંપૂર્ણપણે નાબૂદ થયું નથી. GUVNL અને પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી આ પડકાર સામેની લડાઈનો એક ભાગ છે.
ગુજરાતમાં બે વર્ષમાં વીજ ચોરીનો ચિતાર