રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર: 22 જૂને મતદાન, 25 જૂને મતગણતરી
Gujarat Panchayat Election: આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું 2જી જૂન 2025ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. 22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે.
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે. કુલ 8326 પંચાયતોમાંથી 4688 પંચાયતોમાં (સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી) જ્યારે 3638 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.
મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.