Get The App

બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરુ કરશે ચૂંટણીપંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરુ કરશે ચૂંટણીપંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ 1 - image

Election Commission Prepares SIR: કેન્દ્રીય ચૂંટણીપંચે મતદાર યાદીમાં સુધારણા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી છે, જે હવે બિહાર બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ શરુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, દિવાળીની વિદાય બાદ ગુજરાતમાં પણ મોટાપાયે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ચૂંટણીપંચ ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરી શકે છે.

SIRનો મુખ્ય હેતું: ડુપ્લિકેટ અને ગેરકાયદે મતદારોને દૂર કરવા

SIR પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે અપડેટ કરી ડુપ્લિકેટ મતદારોને દૂર કરવાનો છે. આ ઉપરાંત ગેરકાયદે વસાહતોની ઓળખ કરીને વિદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવાની કામગીરી પણ કરાશે. સમગ્ર પ્રક્રિયા પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે મતદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહીં. ગુજરાતમાં આ SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદી સુધારણા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મતદાર યાદી સુધારણા અભિયાન માટે ચૂંટણીપંચ સક્રિય 

ગુજરાતની બધી જ વિધાનસભા બેઠકોમાં બૂથ લેવલ ઑફિસરની નિમણૂક કરવાની કવાયત શરુ કરી દેવાઈ છે. બૂથ લેવલ ઑફિસર ઘર-ઘર સુધી પહોંચીને મતદારની ઓળખ કરશે અને નવા મતદારોને યાદીમાં સામેલ કરવાની કામગીરી પણ કરશે. મતદાર યાદીના સુધારણાને લઈને અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ

કોંગ્રેસના આક્ષેપો બાદ કાર્યવાહીના સંકેતો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં 62 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે. 84 બેઠકો પર તો 6.9 લાખ મતદારો પૈકી 30 હજાર મતદારો 'ભૂતિયા' હોવાનો પુરાવો પણ રજૂ કરાયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે વ્યક્તિના નામના સ્પેલિંગમાં ભૂલ કરીને, એપિક નંબર બદલીને અથવા જુદા-જુદા સરનામા દર્શાવીને ડુપ્લિકેટ મતદારો બનાવવામાં આવ્યા છે.

આ આક્ષેપોના પગલે રાજ્ય ચૂંટણીપંચ સામે પણ આંગળી ચિંધાઈ છે. ટૂંક સમયમાં ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ યોજે તેવી શક્યતા છે, જેમાં 10-15 રાજ્યોમાં મતદાર સુધારણા અભિયાનની જાહેરાત થઈ શકે છે, જેમાં ગુજરાતમાં પણ SIR શરુ થવાના સંકેતો છે.